ગાંધીનગર: ગુજરાતમાં 20 જૂને ચોમાસાની સત્તાવાર શરૂઆત થઈ ગઈ છે. 20 જૂનથી લઈને 23 જૂન સુધી એક પણ જિલ્લાઓમાં પુતતા પ્રમાણમાં વરસાદ નોંધાયો ન હતો. આજે 24 તારીખે રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ જોવા મળ્યો છે. હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે પણ આગાહી કરતા જણાવ્યું હતું કે 24 જૂનથી 30 જૂન સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદનું પ્રમાણ જોવા મળશે.
શું કહ્યું અંબાલાલ પટેલે?:હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું હતું કે આગામી 24 કલાકમાં રાજ્યના અલગ અલગ ભાગોમાં વરસાદ થવાની શક્યતાઓ છે. રાજ્યમાં વિધિવત રીતે ચોમાસાની ગતિવિધિ હવામાન ખાતું નક્કી કરી શકે છે, પરંતુ 24 તારીખથી એટલે કે આજથી જ વરસાદની શરૂઆત થશે. વરસાદમાં સતત વધારો થશે. આમ 24 જૂન 25 જૂન અને 26 જૂન ના દિવસે ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ જોવા મળશે. 27 તારીખથી ઓછા ભાગોમાં વરસાદ થશે અને 28 29 અને 30 જૂનના રોજ સમગ્ર રાજ્યમાં વરસાદ નોંધાશે.
મધ્ય પ્રદેશ-મહારાષ્ટ્રમાં વરસાદ:અંબાલાલ પટેલે વધુમાં આગાહી કરતા જણાવ્યું હતું કે જે રીતે ચોમાસાની પરિસ્થિતિ જોવા મળી રહી છે તેમાં મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં પણ ભારતીય અતિ ભારે વરસાદ પડી શકે છે. મધ્યપ્રદેશમાં ભારે વરસાદ પડવાના કારણે બનાસકાંઠામાં પણ સારો વરસાદ નોંધાશે અને સાબરમતી નદીમાં નવા નીર આવશે ઉપરાંત નર્મદા નદી પણ બે કાંઠે વહેતી જોવા મળશે. મુંબઈ અને મહારાષ્ટ્રમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદ નોંધાશે.