અમદાવાદ: ચોટીલા ચામુંડા માતા મંદિર ઉપર રોપ વે બનાવવા મુદ્દે સરકાર દ્વારા કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. જેમાં હવે વિગત એ સામે આવી છે કે, કોઈ પ્રકારની ટેન્ડર પ્રક્રિયા વગર આ કામ આપી દેવાયું છે. ચામુંડા માતા મંદિર ટ્રસ્ટએ વિરોધ કર્યો હતો. હાઇકોર્ટે ચુકાદો અનામત રાખ્યો છે.પણ હવે આ કેસમાં કોર્ટે પોતાનું વલણ સ્પષ્ટ કરી શકે છે. જોકે આ કેસમાં મામલો કોર્ટમાંથી સ્પષ્ટ થયા બાદ રોપ વેનું કામ આગળ વધે એવી આશા રાખવામાં આવી રહી છે.
હાઇકોર્ટમાં સુનાવણી: પ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલા ચામુંડા માતા મંદિર પર રોવે ના કોન્ટ્રાક્ટ મુદ્દે છેલ્લા ઘણા સમયથી ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. આ મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં વધુ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જ્યાં ચોટીલા પર રોપ વે બનાવવા માટે સરકાર દ્વારા જેને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. તેને ચામુંડા માતા મંદિર ટ્રસ્ટ દ્વારા ગેર વ્યાજબી ગણાવ્યો હતો. તેના વિરુદ્ધ હાઇકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી.ચોટીલા ચામુંડા માતા મંદિર પર રોપ વે બનાવવાના કોન્ટ્રાક્ટ મુદ્દે હાઇકોર્ટમાં થયેલી અરજી પર તમામ પક્ષની દલીલો પૂર્ણ થઈ છે. તમામ પક્ષોની દલીલો સાંભળ્યા બાદ હાઇકોર્ટે ચુકાદો અનામત રાખ્યો છે. હાઇકોર્ટ આગામી સમયમાં આ મુદ્દે પોતાનો ચુકાદો જાહેર કરશે.
બ્રિજ જેવી દુર્ઘટના:આ સમગ્ર મામલે સરકાર તરફથી ફરી એકવાર એ જ વાત રજૂ કરવામાં આવી હતી કે, દરેક કોન્ટ્રાક્ટ ટેન્ડર બહાર પાડીને જ આપી શકાય એવો કોઈ નિયમ નથી. એવા કોઈ કાયદા કે નિયમ પણ લાગુ પડતા નથી કે ટેન્ડર પ્રક્રિયા થકી જ કોન્ટ્રાક્ટ આપી શકાય છે. સરકારની જરૂરી લાગે તેવા કિસ્સાઓમાં ટેન્ડર વગર પણ કોન્ટ્રાક્ટ આપી શકાય છે. જોકે ચામુંડા માતાજી ડુંગર ટ્રસ્ટ દ્વારા એ જ વાત રજૂ કરવામાં આવી હતી કે ગમે તેને કોન્ટ્રાક્ટ આપી દેવાથી રોપવેની ટેકનોલોજીમાં અને યાત્રિકોના જીવનું જોખમ ઊભું થઈ શકે છે. સરકાર જો ગમે તેને કોન્ટ્રાક્ટ આપી શકે છે તો તેમાં મોરબી બ્રિજ જેવી દુર્ઘટના થવાની તમામ શક્યતાઓ સેવાઈ રહી છે.