અમદાવાદ : 13 એપ્રિલ સુધીમાં પેન્ડિંગ બિન ખેતી અરજીઓનો નિકાલ કરવાના ગુજરાત હાઇકોર્ટના સિંગલ જજના હુકમ સામે હાઇકોર્ટની ડિવિઝન બેંચે સ્ટે આપ્યો છે. હાઇકોર્ટે રાજ્ય સરકારને અરજીના નિકાલ માટેની જે પણ પ્રક્રિયા હોય તે ચાલુ રાખવાનો આદેશ આપ્યો છે અને બને તેમ વહેલી તકે આ અરજીઓને નિકાલ કરવા માટે ટકોર કરી છે.
13 એપ્રિલ સુધીમાં કરવાનો હતો નિકાલ : રાજ્યમાં જેટલી પણ ખેતીલાયક જમીન છે તેને બિન ખેતીમાં ફેરવવાની પ્રક્રિયાની માટે ઘણી અરજીઓ મહેસુલ વિભાગમાં પડતર પડી રહી છે. પેન્ડિંગ અરજીઓ જેેનો હજુ સુધી યોગ્ય નિકાલ આવ્યો નથી એવી અરજીઓને લઇ ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી છે. જેમાં હાઇકોર્ટે NA માટે જેટલી પણ અરજી પેન્ડિંગ હોય તેનો 13 એપ્રિલ સુધીમાં નિર્ણય લેવામાં આવે એવો હાઇકોર્ટના સિંગલ જજ દ્વારા હુકમ કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો Jantri Rate: જંત્રીના મામલે સરકારે આપી રાહત, આ શરત હેઠળ જૂના ભાવ લાગુ રેહશે
સરકારે કરી અરજી : ગુજરાત હાઇકોર્ટના જ સિંગલ જજે કરેલા આ હુકમ સામે રાજ્ય સરકારે ડિવિઝન બેચમાં અપીલ કરી હતી.જેમાં હાઇકોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી કે હાઇકોર્ટના સિંગલ જજ દ્વારા 13 એપ્રિલ સુધીમાં એનએની તમામ અરજીઓનો કલેકટર દ્વારા જે નિકાલ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે તેનો અમલ કરવો ખૂબ જ અઘરી બાબત છે. માત્ર ત્રણ દિવસ સુધીમાં આ કામગીરી કરવી ખૂબ જ અઘરી છે. કારણ કે આ સમગ્ર પ્રક્રિયા ઓનલાઈન થતી હોય છે અને જુદા જુદા વિભાગોમાં થતી હોય છે. જેને કારણે માત્ર ત્રણ દિવસની અંદર આ અરજીઓનો નિકાલ કરવો શક્ય નથી.
90 દિવસની પ્રક્રિયા :બિન ખેતી જમીન એટલે કેએનએની માટેની આ ફાઈલો કુલ 90 દિવસમાં આ પ્રક્રિયા થતી હોય છે અને તાત્કાલિક ધોરણે રાજ્યની તમામ આ અરજીઓનો નિકાલ માત્ર ત્રણ જ દિવસમાં શક્ય નથી. જો કામગીરી વધારવાનો સમય ગાળો આપવામાં આવે તો વ્યવસ્થિત રીતે કામગીરી થઈ શકશે.
હાઇકોર્ટે પ્રશ્ન કર્યો :જોકે રાજ્ય સરકારે દ્વારા કરવામાં આવેલી આ રજૂઆત સામે હાઇકોર્ટે પ્રશ્ન કર્યો હતો કે હજુ રાજ્યમાં કેટલી આવી અરજીઓ પેન્ડિંગ છે અને આ અરજીઓને નિકાલ કરતા કેટલો સમય લાગશે? હાઇકોર્ટના આ સવાલ સામે રાજ્ય સરકારે જણાવ્યું હતું કે અત્યારે કેટલી અરજીઓ પેન્ડિંગ છે તેનો હજુ ખ્યાલ નથી. પરંતુ કામગીરી ચાલી રહી છે અને ટૂંક સમયમાં જ આ અરજીઓનો નિકાલ કરવામાં આવશે.
આ પણ વાંચો Jantri Rate Gujarat: સરકારે જંત્રીમાં 2 ગણો વધારો કરતાં મકાનો થશે મોંઘા, કૉંગ્રેસે ગણાવ્યો કાળો કાયદો
જંત્રીની અરજીઓની કામગીરી થશે સરકાર દ્વારા આ પ્રકારની રજૂઆતને પગલે ગુજરાત હાઇકોર્ટની ડીવીઝન બેંચે સ્ટે માટેનો નિર્ણય આપ્યો હતો. રાજ્ય સરકાર દ્વારા સિંગલ જજના આપેલા આ હુકમ સામેની અપીલમાં હાઇકોર્ટ સ્ટે આપ્યો છે. તેમજ જંત્રીની અરજીઓની કામગીરીને ચાલુ રાખવાનો આદેશ આપ્યો છે.
શું છે સમગ્ર મામલો? : આ સમગ્ર કેસની વિગતો જોઈએ તો વિજય પટેલ નામના વ્યક્તિએ હાઇકોર્ટમાં અરજી કરી હતી કે ખેતીલાયક જમીનના દરજ્જાને બિનખેતીમાં ફેરવવા માટે જે પણ પ્રક્રિયા લાગુ કરવામાં આવતી હોય છે તેમાં કલેક્ટર દ્વારા ઘણો સમય લગાવવામાં આવી રહ્યો છે. 15 એપ્રિલથી રાજ્ય સરકાર દ્વારા જંત્રીના નવા ભાવ લાગુ થશે તેથી પ્રીમિયમના ડબલ ભાવ વસૂલવા માટે આ અરજીઓ પડતર રાખવામાં આવી રહી છે તેઓ અરજદાર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો. આ સમગ્ર કેસ હાઇકોર્ટના સિંગલ જજ ભાર્ગવ કારીયાએ કેસની સુનાવણી દરમિયાન નોંધ્યું હતું કે રાજ્યમાં એનએ માટેની પેન્ડિંગ અરજીઓનો નિકાલ ન કરવાનો અર્થ એવો થાય છે કે સરકાર નવી જંત્રી લાગુ થવાની રાહ જોઈ રહી છે જેથી તેમને વધુ રેવન્યુ મળે. સિંગલ જજના આ અવલોકનની સાથે તેમણે રાજ્યના તમામ કલેકટરો પાસે જે પણ અરજીઓ પેન્ડિંગ છે તેનો 13 એપ્રિલ સુધીમાં નિકાલ કરવા માટે આદેશ આપ્યો હતો. સિંગલ જજે કરેલા આ આદેશની સામે રાજ્ય સરકારે આજે ડિવિઝન બેન્ચમાં અપીલ કરી હતી.