અમદાવાદ: રાહુલ ગાંધી મોદી સરનેમને લઈને થયેલા માનહાનીના કેસમાં કોઈ રાહત મળી નથી. મંગળવારે થયેલી સુનાવણી બાદ હાઇકોર્ટે પોતાનો ચુકાદો અનામત રાખ્યો છે. હવે આ મામલે ચૂકાદો ઉનાળાના વેકેશન બાદ આવશે. ન્યાયાધીશ પ્રચ્છકે મંગળવારે જણાવ્યું હતું કે, 'બંને પક્ષો એક અથવા બે દિવસમાં તેમની દલીલો પૂરી કરે તેવી શક્યતા છે. ન્યાયાધીશ હેમંત પ્રચ્છક 4થી મેના રોજ વિદેશ જઈ રહ્યા છે.'
ન્યાયાધીશ પ્રચ્છક 5 મેથી વિદેશ જઈ રહ્યા છે:આ કેસની પાછલી સુનાવણીમાં ન્યાયાધીશ હેમંત પ્રચ્છકે 2જી મેએ આ કેસ ખતમ કરવાની વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, તેઓ 5મી મેથી વિદેશ જઈ રહ્યા હોવાથી તેઓ પણ વહેલી તકે આ કેસ ખતમ કરવા માગે છે. આ સાથે ન્યાયાધીશ પ્રચ્છકે આ કેસની સુનાવણી મંગળવાર સુધી મુલતવી રાખી હતી.
'આજે અમારા તરફથી કોર્ટમાં દલીલો કરવામાં આવી હતી. જેમાં અમે ગઈકાલે જ તમામ દસ્તાવેજો હાઇકોર્ટમાં રેકોર્ડ ઉપર મૂક્યા હતા. આ દસ્તાવેજોમાં નીચેની કોર્ટે આપેલો હુકમ કાયદેસર છે તેમાં કોઈ જ ભૂલ નથી એ હુકમમાં કોઈ દખલગીરી કરવાની જરૂર નથી. આ સાથે જ કાયદાકીય પરિસ્થિતિ શું છે તેની દલીલો કરવામાં આવી હતી. સીટીંગ એમએલએ એમપીને કોઈ ખાસ પ્રકારની ફેસિલિટી નથી મળતી પરંતુ કાયદાની પ્રક્રિયાનો ભાગ હોવાથી આ કેસને રેરેસ્ટ ઓફ ધ રેર પ્રક્રિયા ગણી શકાય નહીં. આ પ્રકારની અમારા તરફથી રજૂઆત કરવામાં આવી હતી.' -હર્ષિત ટોળીયા, પૂર્ણેશ મોદીના વકીલ
પૂર્ણેશ મોદીના વકીલની દલીલ:ફરિયાદી પૂર્ણેશ મોદીના વકીલ નિરુપમ નાણાવટીએ કોર્ટમાં દલીલ કરતા જણાવ્યું હતું કે, 'કોર્ટે તેમને ગેરલાયક ઠેરવ્યા નથી, સંસદે તમને ગેરલાયક ઠેરવ્યા છે. ફરિયાદીએ પણ તેમને ગેરલાયક ઠેરવ્યા નથી તેથી તમે એવી દલીલ ન કરી શકો કે તમને સંસદ પદનું નુકશાન થઈ શકે છે અથવા થઈ રહ્યું છે. આ કાયદો સંસદે જ બનાવ્યો છે.