અમદાવાદઃલોક સાહિત્યકાર દેવાયત ખવડની મુશ્કેલીમાં ફરી એક વાર વધારો થયો છે. દેવાયત ખવડે ગુજરાત હાઈકોર્ટમાં નિયમિત જામીન માટે કરેલી અરજીને હાઈકોર્ટે ફગાવી દીધી છે. તેમ જ આ કેસમાં ચાર્જશીટ ફાઈલ થયા બાદ આરોપી ફરીથી અરજી કરી શકે એવી હાઈકોર્ટે છૂટ આપી છે. મહત્વનું છે કે, દેવાયત ખવડ છેલ્લા 55 દિવસથી જેલમાં બંધ છે. તેથી હાઇકોર્ટે અરજી ફગાવી દેતા તેમની મુશ્કેલીમાં વધારો થયો છે.
આ પણ વાંચોઃદેવાયત ખવડ સહિત તમામ આરોપીઓના બે દિવસના રિમાન્ડ મંજૂર
HCનું અવલોકનઃઆ સમગ્ર મામલે આજે (શુક્રવારે) સુનાવણી બાદ ગુજરાત હાઈકોર્ટ દેવાયત ખવડની અરજી ફગાવી દેતા મહત્વનું અવલોકન કર્યું હતું કે, હજી આ કેસમાં ચાર્જશીટ ફાઈલ થઈ નથી. તેથી બંને પક્ષે ચાર્જશીટ ફાઈલ થયા બાદ આરોપી ફરીથી જામીન માટે અરજી કરી શકે છે.
દેવાયત ખવડે કર્યું હતું આત્મસમર્પણઃ લોકસાહિત્યકાર દેવાયત ખવડ અને તેમના સાથીઓએ મળીને મયુરસિંહ રાણા નામના યુવક પર જીવલેણ હુમલો કર્યો હતો. આ જ ગુનામાં તેઓ છેલ્લા 55 દિવસથી જેલવાસ ભોગવી રહ્યા છે. આ મામલે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દેવાયત ખવડ અને તેમના સાથીદારો સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. આ ગુનો નોંધાયાના 10 દિવસ ફરાર રહ્યા બાદ દેવાયત ખવડે પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું.