અમદાવાદ: ગુજરાત હાઇકોર્ટમાં છેલ્લા ઘણા સમયથી ગેરકાયદેસર કતલખાના અને ખરાબ માસનું વેચાણ કરતા વેપારીઓને સામે થયેલી જાહેરહિતની અરજી પર સુનાવણી ચાલી રહી છે. હાઇકોર્ટમાં આજે વધુ એક વખત આ મુદ્દે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જ્યાં ગેરકાયદેસર કતલખાના નહીં ખોલવા બાબતે સરકારે પોતાનું વલણ સ્પષ્ટ રાખ્યું હતું. લાઇસન્સ વિના સરકાર કોઈપણ મીટ શોપ ચાલુ નહીં થવા દે એવું સરકારે સ્પષ્ટ કર્યું હતું.
રમજાનને લઈને કરાઈ હતી રજૂઆત: આ સમગ્ર મામલે દુકાનદારો દ્વારા હાઇકોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી કે અત્યારે પવિત્ર રમજાન મહિનો ચાલી રહ્યો છે ત્યારે વચગાળાના સમય માટે ધંધાને ચાલુ રાખવા દેવાની છૂટ આપવામાં આવે. દુકાનદારોએ લાયસન્સ મેળવવા માટે સમય માંગ્યો છે અને જ્યાં સુધી લાઇસન્સ ના મળે ત્યાં સુધી વચગાળાનો ધંધો યથાવત રાખવા દેવા માટેની માંગણી કરી છે.
શું કહ્યું હાઈકોર્ટે: જોકે હાઈકોર્ટે આ મામલે પોતાનું વલણ સ્પષ્ટ કરતા કહ્યું હતું કે લાયસન્સ વિના કોઈપણ દુકાન સરકાર ચાલુ નહીં થવા દે . જો લાયસન્સ હશે તો પણ સ્ટેમ્પડ માંસ જ વેચવા દેવા માટે છૂટ આપવામાં આવશે. દુકાનદારોએ પોતાના દુકાનોમાં હાઈજીનનું પણ ધ્યાન રાખવું પડશે. કોઈ પણ પ્રકારની બિન આરોગ્યપ્રદ માંસને ચલાવી લેવામાં આવશે નહીં. સરકારે રાજ્યમાં 2147 લાયસન્સવાળા માંસાહાર દુકાનો અને પ્રોસેસિંગ યુનિટ હોવાની પણ વાત કરી હતી.