અમદાવાદ : રાજ્યમાં આવેલા રોડ રસ્તા અને રખડતા ઢોર અંગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિસ્તૃત માહિતી હાઇકોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવી હતી. રખડતા ઢોરના નિયંત્રણ માટે એએમસી બાઉન્સરોનો ઉપયોગ કરશે.
ગુજરાત હાઇકોર્ટ સમક્ષ સોગંદનામુ રજૂ : રાજ્યમાં આવેલા બિસ્માર રોડ રસ્તા અને રખડતા ઢોર મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી કરવામાં આવી છે તેમાં આજે હાઇકોર્ટમાં વધુ સુનાવણી હાથ ધરાઈ હતી. આજની સુનાવણીમાં રખડતા ઢોર તેમજ રોડ રસ્તા અંગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સોગંદનામુ રજૂ કરવામાં આવ્યું હતું. આ સોગંદનામામાં અમદાવાદ કોર્પોરેશન દ્વારા શહેરમાં રખડતા ઢોરના નિયંત્રણ માટે જે પણ કાર્યવાહી કરવાનું આયોજન છે તેની સવિસ્તર માહિતી ગુજરાત હાઇ કોર્ટ સમક્ષ મૂકી હતી. ગુજરાત સ્ટેટ લીગલ ઓથોરિટીએ ખરાબ રોડ રસ્તાઓની હાલત સુધારવા માટે શું કાર્યવાહી કરવામાં આવી તેનો જવાબ પણ રજૂ કર્યો હતો.
આ પણ વાંચો Stray Cattle : રખડતા ઢોર મુદ્દે AMCની નવી પોલિસી કરાઇ મોકૂફ, જાણો કારણ
બાઉન્સરોનો ઉપયોગ કરશે : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સોગંદનામુ રજૂ કરવામાં આવ્યું છે તેમાં હવે રખડતા ઢોરને પકડવા માટે એએમસી બાઉન્સરોનો ઉપયોગ કરશે તેવું પણ જણાવાયું છે. ઢોર પકડવાના સ્થળો પર કોર્પોરેશન અધિકારીઓ બાઉન્સરો સાથે રાખીને દંડનીય કાર્યવાહી કરશે. એએમસી દ્વારા અમદાવાદમાં કુલ 96 જેટલા સ્થળોને રખડતા ઢોરના હોટસ્પોટ તરીકે ચિહ્નિત કરવામાં આવ્યાં છે. આ તમામ 96 સ્થળો ઉપર ગુજરાત હાઇકોર્ટની ફટકાર બાદ અમદાૈવાદ કોર્પોરેશન કડક કાર્યવાહી કરશે. એટલું જ નહીં ગુજરાત હાઇકોર્ટમાં કરાયેલી એફિડેવિટમાં યોગ્ય કામગીરી કરવાની પણ કોર્ટને બાંહેધરી આપવામાં આવી છે.