અમદાવાદ : માઈક્રો,સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝ msme મંત્રાલય દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, એમએસએમઇ ઉદ્યોગની નોંધણી સાથે વ્યવસાયોની નોંધણી માટે આધાર નંબરની ફરજિયાત આવશ્યકતા નથી. મંત્રાલયની આ સ્પષ્ટતાની સાથે જ ગુજરાત હાઇકોર્ટે આ અરજીનો નિકાલ કર્યો છે.
ઉદ્યોગોની નોંધણી માટે આધાર કાર્ડ : MSME મંત્રાલય દ્વારા બહાર પડાયેલા એક નોટિફિકેશન સામે ગુજરાત હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી દાખલ કરવામાં આવી હતી. MSME મંત્રાલય દ્વારા એક નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું હતું. આ નોટિફિકેશન પ્રમાણે MSME ઉદ્યોગોમાં નોંધણી માટે વ્યવસાયિક વ્યક્તિએ ફરજિયાત પણે આધાર કાર્ડ નંબર આપવો પડશે. મંત્રાલયના આ નોટિફિકેશન સામે અરજદાર દ્વારા જાહેર હિતની અરજી ગુજરાત હાઇકોર્ટમાં દાખલ કરવામાં આવી હતી અને આ નોટિફિકેશન રદ કરવામાં આવે એવી માંગ કરવામાં આવી હતી. MSME દ્વારા 26 જૂન 2020 ના રોજ આ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું હતું.
આ પણ વાંચો આત્મનિર્ભર ગુજરાત યોજના હેઠળ પુરાવા તરીકે આધાર કાર્ડ ફરજીયાત નથી
નોટિફિકેશન પડકારાયું :ફરજિયાત આધાર કાર્ડ નંબર આપવાને લઇને જોકે અરજદાર દ્વારા આ બાબતને ગુજરાત હાઇકોર્ટમાં પડકારવામાં આવી હતી. અરજદાર દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે આ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે તે અયોગ્ય છે. સત્તાધિકારીઓ દ્વારા અયોગ્ય સૂચના દ્વારા આવી રીતે વ્યવસાયિક વ્યક્તિઓને ફરજ પાડી રહ્યા છે કે ઉદ્યોગોમાં નોંધણી માટે આધાર કાર્ડ આપવું પડશે અને આધાર કાર્ડ નંબર આપવો પડશે તે એક ખોટી રીતે દબાણ ઉભું કરવામાં આવી રહ્યું છે. વ્યવસાયિક નોંધણી માટે આધાર કાર્ડ નંબર માંગવું એ ખોટી બાબત છે.
હાઇકોર્ટે જવાબ માગ્યો : જાહેરહિતની કરવામાં આવેલી આ અરજીના પગલે ગુજરાત હાઇકોર્ટ દ્વારા MSME મંત્રાલયને નોટિસ પાઠવવામાં આવી હતી અને આ મામલે એફિડેવિટ રજૂ કરીને જવાબ રજૂ કરવા માટે આદેશ કર્યો હતો. આ નોટિસના પગલે MSME મંત્રાલયના સંયુક્ત નિયામક અને કાર્યાલયના અધિકારીએ એફિડેવિટ હાઇકોર્ટ સમક્ષ રજૂ કર્યું હતું.
આ પણ વાંચો આધાર કાર્ડને ઓળખના પુરાવા તરીકે સ્વીકારતા પહેલા તેની ચકાસણી કરો: UIDAI
હાઇકોર્ટમાં કેન્દ્રની એફિડેવિટ : અધિકારીઓ દ્વારા હાઇકોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવેલા એફિડેવિટમાં જણાવવામાં આવ્યું હતું કે, ઉદ્યોગોમાં આધાર નંબરનો ઉપયોગ માત્ર નોંધણીના હેતુ માટે નથી થતો. પરંતુ ઓનલાઇન વ્યવસાયની નોંધણીની ફાઈલ કરવા માટે અને જે તે ઉદ્યોગની નોંધણી કરાવનાર વ્યક્તિ અધિકૃત છે કે નહીં તેની તપાસ કરવા માટે અને આધાર નંબરના ઓટીપી આધારિત ચકાસણી કરવા માટે પણ થાય છે. UIDAIની જોગવાઈઓ અનુસાર કોઈપણ વ્યક્તિની આધારકાર્ડની માહિતી કોઈની સાથે શેર કરવામાં આવતી નથી અને કોઈપણ માહિતીને સંગ્રહિત પણ કરવામાં આવતી નથી.
સ્પષ્ટતા થઇ ગઇ :આ સાથે જ એફિડેવિટમાં એવું પણ જણાવવામાં આવ્યું છે કે વિવિધ એન્ટરપ્રાઇઝોના માલિક અથવા તો અધિકૃત વ્યક્તિના આધાર નંબરની ઘણીવાર ઉપલબ્ધતા ન હોવાના બનાવોમાં રાજ્યો અથવા તો કેન્દ્ર શાસિત પ્રદેશોના સંબંધિત જિલ્લાના ડિસ્ટ્રિક્ટ ઇન્ડસ્ટ્રીઝ સેન્ટર એન્ટરપ્રાઇઝને "આસિસ્ટેડ ફાયરિંગ વિકલ્પ" દ્વારા નોંધણી કરાવવા માટે સહાય કરે છે. એટલું જ નહીં કેટલાક અન્ય સંબંધિત દસ્તાવેજો અને તેવા કિસ્સાઓમાં ઓનલાઈન ઉદ્યોગોની નોંધણીની ફાઈલ કરનાર વ્યક્તિની ચકાસણી માટે કોઈપણ આધાર કાર્ડ કે નંબરની જરૂર રહેતી નથી.
અરજીનો નિકાલ : કેન્દ્રીય MSME મંત્રાલય દ્વારા કરવામાં આવેલી આ સ્પષ્ટતાની સાથે જ ગુજરાત હાઇકોર્ટે આ રજૂઆતને માન્ય રાખી હતી. હાઇકોર્ટે રજૂ કરવામાં આવેલા એફિડેવિટની તમામ બાબતોને યોગ્ય ગણાવી હતી અને હાઇકોર્ટમાં રજૂ કરનાર સોગંદનામાંને ધ્યાનમાં રાખીને કોર્ટે અરજીનો નિકાલ કર્યો હતો.