અમદાવાદઃગુજરાત હાઈકોર્ટ સમક્ષ પેકેજ ફૂડની શુદ્ધતા મુદ્દે અરજી કરવામાં આવી છે. ખાદ્ય પદાર્થો પર લગાવવામાં આવતા લેબલને લઈને આ અરજી કરવામાં આવી છે. અરજીમાં શાકાહારી પેકેજ ફૂડમાં નોનવેજ ફૂડનું માર્કિંગ કરી દેવામાં આવે છે એવા આક્ષેપ કરવામાં આવ્યા છે. સાથે જ પેકેજ ફૂડની વિશ્વસનીયતા અને ગુણવત્તા ઉપર સવાલ ઉઠાવવામાં આવ્યા છે.
અરજદારની HCમાં રજૂઆતઃ આ સમગ્ર મામલે અરજદારે ગુજરાત હાઈકોર્ટમાં રજૂઆત કરી છે કે, ખાદ્ય ફૂડના પેકેજો ઉપર યોગ્ય માર્કિંગ થતું નથી. ખાદ્ય પદાર્થો ઉપર યોગ્ય માર્કિંગ કરવું જોઈએ, જેથી તમામ લોકોને ખ્યાલ આવે કે, આ વસ્તુ વેજ છે કે નોનવેજ. ઘણી વખત એવું થતું હોય છે કે, વેજિટેરિયન વસ્તુ પર કોઈ પ્રકારનું માર્કિંગ લગાવવામાં નથી આવતું, જેના કારણે લોકો આ વસ્તુ આરોગ્યપ્રદ છે એનું માનીને આરોગી પણ લેતા હોય છે. આથી લોકોના આરોગ્ય સાથે પણ ચેડાં થઈ રહ્યા છે. આવા કેસોમાં સરકાર યોગ્ય ચકાસણીની અભાવ હોવાની પણ અરજદારે રજૂઆત કરી હતી.
આ પણ વાંચોઃBudget Session: હવે શાળાઓએ ફરજિયાતપણે ભણાવવી પડશે ગુજરાતી ભાષા, વિધાનસભામાં વિધેયક પસાર
લોકોના આરોગ્ય સાથે થાય છે ચેડાંઃ બજારો અને દુકાનોમાં એવી ઘણી બધા પેકેટો મળી આવે છે કે, જેમાં કોઈ પ્રકારનું માર્કિંગ જોવા જ નથી મળતું. આના કારણે લોકોને સામાન ખરીદવામાં કે પછી વસ્તુ ખાવામાં પણ મુશ્કેલી પડતી હોય છે. એટલું જ નહીં, કોઈ પ્રકારનો યોગ્ય ટ્રેડમાર્ક કે માર્કિંગ પણ ફૂડ પેકેટ ઉપર કરવામાં નથી આવી રહ્યું, જેના કારણે લોકોના આરોગ્ય સાથે ચેડાં થઈ રહ્યા છે. જેથી આ મુદ્દે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે.
ફૂડ સેફટી સાથે કોઈ ચેડાં ન થવા જોઈએઃઆ સમગ્ર મામલે રાજ્ય સરકારે જવાબ રજૂ કરતા તમામ બાબતો કેન્દ્ર સરકાર ઉપર ઢોળી દીધી હતી. રાજ્ય સરકારે હાઈકોર્ટમાં કહ્યું હતું કે, આ અંગેની પૉલિસી લાવવાની વિચારણા થઈ રહી છે, પરંતુ કેન્દ્ર સરકાર મંજૂરી આપે તેની રાહ જોવાઈ રહી છે. જોકે, આ મામલે સુનાવણી બાદ ગુજરાત હાઈકોર્ટે જણાવ્યું હતું કે, શાકાહારી ખાદ્યપદાર્થો અને માસાહારી ખાદ્યપદાર્થો ઉપર એક યોગ્ય માર્કિંગ કરવામાં આવે. જેથી લોકોને ખ્યાલ આવે અને ફૂડ સેફ્ટી કેટલી રહેલી છે. તેનો પણ લોકોને ખ્યાલ રહે. ફૂડ સેફટી સાથે કોઈ ચેડાં ન થવા જોઈએ.
આ પણ વાંચોઃAhmedabad Crime: પતિના એકસાથે 3 મહિલા જોડે સંબંધ, પત્નીએ ખખડાવ્યા કોર્ટના દ્વાર, જાણો શું છે સમગ્ર કેસ
HCએ કેન્દ્ર સરકારને ફટકારી નોટીસઃ ગુજરાત હાઈકોર્ટે આ સમગ્ર મામલે સુનાવણી સાંભળ્યા બાદ કેન્દ્ર સરકારને નોટીસ ઈશ્યુ કરી છે. સાથે જ અરજીની સુનાવણી માટે ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર પાસે ખૂલાસો માગ્યો છે. આ સમગ્ર મામલી વધુ સુનવણી 27 માર્ચે હાથ ધરાશે.