અમદાવાદઃસાબરમતી નદીના પ્રદૂષણને લઈને ગુજરાત હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી કરવામાં આવી છે. તે અંગે આજે (શુક્રવારે) વધુ ચુનાવણી હાથ ધરાઈ હતી. આજે ગુજરાત હાઈકોર્ટે સાબરમતીમાં વધતા જતા પ્રદૂષણને લઈને ચિંતા વ્યક્ત કરી હતી. સાથે જે પણ ગેરકાયદેસર કનેક્શન હોય તેમની સામે કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે. સાથે જ કોર્ટ મિત્રએ સાબરમતી નદીના પ્રદૂષણને લઈને જે રિપોર્ટ રજૂ કર્યો હતો. તેમાં ચોંકાવનારા ખૂલાસા થયા હતા.
HCએ ચિંતા વ્યક્ત કરીઃ આ સમગ્ર મામલે કોર્ટમિત્ર હેમાંગ શાહે જણાવ્યું હતું કે, સાબરમતી નદીમાં જે પણ કંપનીઓ પ્રદૂષિત પાણી છોડી રહી હતી. તેમને અગાઉ બંધ કરવામાં આવી હતી, પરંતુ દાણીલીમડા વિસ્તારની કેટલીક એવી નાનીમોટી કંપનીઓ છે, જે ફરી ગેરકાયદેસર કનેક્શન રીતે સાબરમતી નદીમાં પ્રદૂષિત પાણી ઠાલવી રહી છે એવો ચોંકાવનારો ખૂલાસો થયો છે. આના કારણે સાબરમતી નદી વધુને વધુ પ્રદૂષિત થઈ રહી છે એવી પણ વિગતો સામે આવી છે. આવી કંપનીઓ સામે કાર્યવાહી કરાઈ હતી. તેમ છતાં પણ ફરીથી એની એ જ વસ્તુ સામે આવતા હાઈકોર્ટે આ મામલે વધુ ચિંતા વ્યક્ત કરી છે.
HCના આદેશઃઆ સમગ્ર મામલે સુનાવણી બાદ ગુજરાત હાઈકોર્ટે આદેશ આપ્યા છે કે, જેટલા પણ ગેરકાયદેસર કનેક્શન હોય તેને તાત્કાલિક ધોરણે દૂર કરવામાં આવે. આવા ગેરકાયદેસર કનેક્શન ઔદ્યોગિક એકમના હોય કે, પછી રહેણાંક વિસ્તારના હોય તેને દૂર કરવામાં આવે. સાથે જ અમદાવાદ મેગા પાઈપલાઈનમાં પણ જે ડિફલ્ટીંગની કામગીરી છે. તે પણ આગામી દિવસોમાં હાથ ધરવામાં આવશે. આ પ્રક્રિયાને પૂર્ણ કરવા ગુજરાત હાઈકોર્ટ તરફથી 4 અઠવાડિયાનો સમય આપવામાં આવ્યો છે.