અમદાવાદઃગુજરાત હાઈકોર્ટે પત્નીના અપહરણ થવા બદલ પતિ દ્વારા કરવામાં આવેલી હેબિયસ કોપર્સ પિટિશનને ફગાવી દીધી હતી. આ કેસમાં હાઈકોર્ટ દ્વારા માનવામાં આવ્યું હતું કે, પતિએ હકીકત છૂપાવી છે. પતિએ નીચલી કોર્ટમાં સીઆરપીસી કલમ 97 હેઠળ જે સિવિલ એપ્લિકેશન દાખલ કરી હતી તેની જાણ કરી નહતી. કોર્ટને 97 સીઆરપીસી હેઠળની કાર્યવાહીની જાણ કરવામાં આવી નહતી.
આ પણ વાંચોઃHigh Court: કાઉન્સિલર સરકારી અધિકારીઓ સાથે અભદ્ર ભાષામાં દૂર્વ્યવહાર કરે એ ગેરવર્તણૂક સમાનઃ HCનો ચૂકાદો
કેસ પંચમહાલનોઃ સમગ્ર કેસની વિગતો જોઈએ તો, આ કેસ પંચમહાલ જિલ્લાના સેહરા તાલુકાનો છે, જેમાં અરજદાર પતિએ હાઈકોર્ટમાં હેબિયસ કોપર્સ અરજી કરી હતી. સાથે રજૂઆત કરી હતી કે, તેમના લગ્ન 8 ડિસેમ્બર 2022ના રોજ થયા હતા. ત્યારબાદ તેની પત્નીનું તેમના સગાસંબંધીઓ દ્વારા અપહરણ કરી લેવામાં આવ્યું હતું. પતિ દ્વારા એવા પણ આક્ષેપ કરવામાં આવ્યા હતા કે, તેની પત્નીના લગ્ન બળજબરીથી બીજા પૂરૂષ સાથે કરાવવા થઈને તેનું અપહરણ કરવામાં આવ્યું હતું.
પોલીસે અરજદારની પત્નીને કોર્ટમાં હાજર કરી હતીઃ આ સમગ્ર મામલે હાઈકોર્ટે આ હેબિયસ કોપર્સની ગંભીરતાને જોતા નોટિસ પાઠવી હતી અને ત્યારબાદ પોલીસ દ્વારા તેમની પત્નીની ભાળ મેળવીને કોર્ટ સમક્ષ હાજર કરવામાં આવી હતી. આ સમગ્ર સરકારી વકીલ મનન મહેતાએ કોર્ટને માહિતી આપી હતી કે, પોલીસ તેમની પત્નીને શોધીને સાથે લાવી છે. જ્યારે અરજદાર તરફથી એડવોકેટ હિમાંશુ પાધ્યાએ રજૂઆત કરતા જણાવ્યું હતું કે, અરજદાર અરજી પાછી ખેંચવા માગે છે. કારણ કે, તેમની પત્ની નીચલી કોર્ટ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીના પગલે પત્ની ઘરે પરત આવી છે.
આ પણ વાંચોઃMorbi Bridge Collapse: જયસુખ પટેલે જેલમાં ઉજવવી પડશે ધૂળેટી, કોર્ટે જામીન અરજી ફગાવી
હાઈકોર્ટની નારાજગીઃસમગ્ર મામલે સુનાવણી સાંભળ્યા બાદ હાઈકોર્ટે અરજકર્તા પતિ સામે અત્યંત નારાજગી વ્યક્ત કરી હતી. હાઈકોર્ટ અવલોકન કરતા જણાવ્યું હતું કે , અરજદારે હેબિયસ કોપર્સ પિટિશન ફાઇલ કરતી વખતે હકીકતો છુપાવી છે. અરજદારે હાઈકોર્ટથી સત્ય છૂપાવ્યું છે. બીજી તરફ હાઈકોર્ટમાં થયેલા કેસના પગલે પોલીસ તંત્રની શક્તિનો પણ બિનજરૂરી ખર્ચ થયો છે. સાથે જ કોર્ટે હેબિયસ કોપર્સ અરજીને ફગાવી દીધી હતી. અરજદાર પર 1,500 રૂપિયાનો ખર્ચ જમા કરાવવા આદેશ કર્યો હતો. આ રકમ 10 દિવસમાં પોલીસ કલ્યાણ બોર્ડ ગાંધીનગરમાં જમા કરાવવાની રહેશે એવો કોર્ટે આદેશ આપ્યો હતો.