અમદાવાદ : આણંદ જિલ્લામાં અલગ સિવિલ હોસ્પિટલ બનાવવાની માંગણી સાથે ગુજરાત હાઇકોર્ટ સમક્ષ જાહેર હિતની અરજી કરવામાં આવી છે. તેમાં ગઈકાલે સુનાવણી હાથ ધરાઈ હતી. સિવિલ હોસ્પિટલના કામમાં જે વિલંબ થઈ રહ્યો છે તે અંગે હાઇકોર્ટે સરકારને પ્રશ્ન પૂછ્યા હતા અને સ્પષ્ટ રીતે કહ્યું હતું કે, કેટલા સમયમાં હોસ્પિટલનું કામ પૂર્ણ થશે? આટલો બધો સમય થયો હોવા છતાં પણ હજુ સુધી કેમ કામ થયું નથી ? આ સાથે જ હાઇકોર્ટ લોકોના સ્વાસ્થ્ય અંગે ચિંતા પણ વ્યક્ત કરી હતી.
શું છે સમગ્ર મામલો? :રાજ્યમાં આણંદ જિલ્લો નવો બનાવવામાં આવતા તેને 25 વર્ષથી વધુનો સમય થઈ ગયો હોવા છતાં પણ આણંદ જિલ્લાને હજુ સુધી પ્રાથમિક સારવાર અને સિવિલ હોસ્પિટલ નહીં મળતા લોકોને અને હાલાકીનો સામનો કરવો પડતો હતો. જેથી હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી કરવામાં આવી હતી. પરંતુ આટલા વર્ષો થઈ ગયા હોવા છતાં પણ હજુ સુધી આણંદ જિલ્લાને સિવિલ હોસ્પિટલ ફાળવવામાં આવી નથી.
હોસ્પિટલ સ્થાપવાની જાહેરાત : આ અરજીના અરજદારની રજૂઆત હતી કે, 2016માં ખુદ આણંદ જિલ્લાના કલેકટરે આણંદમાં અલગ સિવિલ હોસ્પિટલ સ્થાપવાની જાહેરાત કરવામાં આવી હતી. આ હેતુ માટે થઈને જમીનની ફાળવણી પણ કરી દેવામાં આવી. પરંતુ તેમ છતાં હજુ સુધી આ મામલે આગળની કોઈપણ કાર્યવાહી થઈ જ નથી. રાજ્યમાં મોટાભાગના તમામ જિલ્લાઓને પોતાની અલગ સિવિલ હોસ્પિટલ છે, ત્યારે આણંદ જિલ્લાને પણ અલગ સિવિલ હોસ્પિટલ મળવી જોઈએ.