અમદાવાદઃમોરબી ઝૂલતા બ્રિજ દુર્ઘટનાને લઈને ગુજરાત હાઈકોર્ટે સુઓમોટો કરી હતી. આ કેસની સુનાવણી દરમિયાન ગુજરાત હાઈકોર્ટ દ્વારા રાજ્ય સરકાર પાસે રાજ્યમાં આવેલા વિવિધ બ્રિજોની સ્થિતિ અંગેનો રિપોર્ટ માગવામાં આવ્યો હતો. તેને લઈને આજે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં આવેલા માઈનોર તેમ જ મેજર જે પણ બ્રિજો છે. તે અંગેનું સોગંદનામુ રજૂ કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચોઃDoctor Atul Chag Suicide Case: ડોક્ટરના પરિવારે HCમાં કન્ટેમ્પ્ટ ઑફ કોર્ટની અરજીની પ્રક્રિયા શરૂ કરી
HCએ સરકારને પૂછ્યા સવાલઃ મોરબી બ્રીજ દુર્ઘટનામાં આશરે 135થી વધુ લોકોના મૃત્યુ થયા હતા. આ કેસની તમામ સુનાવણી ગુજરાત હાઇકોર્ટમાં ચાલતી હતી, જેમાં બ્રિજની સ્થિતિની ગંભીરતાને જોતા ગુજરાત હાઈકોર્ટ દ્વારા રાજ્ય સરકારને સવાલ કરવામાં આવ્યા હતા કે, રાજ્યમાં આવા કેટલા બ્રિજો આવેલા છે કે, જેને સમારકામની જરૂર છે અથવા તો જે પણ બ્રિજો આવેલા છે. તેની સ્થિતિ શું યોગ્ય છે કે, નહીં આ સમગ્ર મામલે રિપોર્ટ રજૂ કરવામાં આવે.
ગુજરાત સરકારે રજૂ કર્યો રિપોર્ટઃ ગુજરાત હાઈકોર્ટના આ આદેશ બાદ રાજ્ય સરકાર દ્વારા આજે સ્પેશિયલ ટાસ્ક ફોર્સ દ્વારા જે તપાસ કરીને રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો. તેને ગુજરાત હાઇકોર્ટ સમક્ષ તૈયાર કરાયેલો વિગતવાર રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો.
23 બ્રિજને સમારકામની તાતી જરૂરિયાતઃ જોકે રાજ્ય સરકારે પણ સ્વીકાર્યું હતું કે, રાજ્યમાં કુલ 63 બ્રિજને સમારકામની જરૂર છે. આમાં 40 જેટલા બ્રિજની સામાન્ય સમારકામની જરૂર છે. જ્યારે 23 જેટલા બ્રિજને મહત્તમ સમારકામની જરૂર છે. આમાંથી અમદાવાદમાં 12, સુરતમાં 13, વડોદરામાં 4 અને જૂનાગઢમાં 7 બ્રિજને સમારકામની જરૂર છે. આ તમામ બ્રિજની અત્યારે પરિસ્થિતિ જોતા તેમને જલ્દીથી સમારકામ કરવામાં આવશે.
અમદાવાદમાં એક બ્રિજ બંધ હોવાનું સરકારે કબૂલ્યુંઃ સાથે જ હમણાં સતત વિવાદમાં ચાલી રહેલા અમદાવાદના હાટકેશ્વર બ્રિજની સ્થિતિ અંગે પણ ગુજરાત હાઈકોર્ટે નોંધ લીધી હતી. આ અંગે પણ શું પરિસ્થિતિ છે તેનો જવાબ પણ ગુજરાત હાઇકોર્ટે માગ્યો હતો. ઉપરાંત અમદાવાદમાં એક બ્રિજ બંધ હોવાની પણ રાજ્ય સરકાર દ્વારા કબૂલાત કરવામાં આવી હતી.
આ પણ વાંચોઃDevayat Khavad Bail: જેલમુક્તિ બાદ રાણો મોજમાં, 72 દિવસ બાદ ફટકાર્યો ગુજરાતી કવિનો શેર
ગુજરાત હાઈકોર્ટે સરકારને આપ્યા આદેશઃ મહત્વનું છે કે, હમણાંથી છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં અવારનવાર બ્રિજોને લઈને બ્રિજની સ્થિતિ ખરાબ હોવાના અથવા તો બ્રિજના કન્સ્ટ્રકશનના કામ દરમિયાન પડી ભાંગવાના સમાચાર સતત સામે આવી રહ્યા છે. એક તરફ રાજ્ય સરકાર તમામ બ્રિજો સરકારની નિરીક્ષણ હેઠળ હોવાનો જવાબ ગુજરાત હાઈકોર્ટમાં રજૂ કરે છે. બીજી તરફ રાજ્યમાં આવેલા જુદા જુદા બ્રિજો અંગે કંઈકને કંઈક ખામી નીકળતી રહી છે. ત્યારે હવે આ અંગે ગુજરાત હાઈકોર્ટે પણ રાજ્ય સરકારને કડક પગલાં લેવા માટે આદેશ આપ્યા છે.