અમદાવાદઃગરીબ અને મધ્યમ વર્ગના કુટુંબોને મફત કે રાહત દરે સરકાર તરફથી અનાજ આપવામાં આવે છે. ગ્રાહકો સરકારી રાશનની દુકાનમાંથી આ અનાજની ખરીદી કરતા હોય છે, પરંતુ કેટલાક રાશન વેચનારા લોકો કૌભાંડ કરીને કરોડો રૂપિયાનું અનાજ સગેવગે કરવાનું કામ કરતા હોય છે. ત્યારે સરકારે ગરીબ અને મધ્યમ વર્ગના કુટુંબોને મફત કે રાહત દરે મળતા અનાજનો જથ્થો બારોબાર વેચી દેવાની ઘટનાઓ પર સદંતર અંકુશ લાવવા તેમ જ આવા બનાવોના મૂળ સુધી પહોંચીને આરોપીઓને કડક સજા કરાવવા રાજ્ય સરકારે SIT બનાવવાનો નિર્ણય કર્યો છે.
આ પણ વાંચોઃAhmedabad Crime: સરકારી અનાજનો જથ્થો બારોબાર વેચવા જતી ગાડી સાથે આરોપી ઝડપાયો
SIT ગુનાઓની સમીક્ષા કરશેઃ સ્પેશયલ ઈન્વેસ્ટિગેશન ટીમ રાજ્યભરમાં આ પ્રકારના દાખલ થયેલા ગુનાઓની સમીક્ષા કરશે. તેમ જ તપાસ અધિકારીએ હાથ ધરેલી કાર્યવાહીની સમીક્ષા કરીને યોગ્ય માર્ગદર્શન આપશે. આ SIT (સ્પેશયલ ઇન્વેસ્ટીગેશન ટીમ)માં અધ્યક્ષ સહિત 6 સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં અધ્યક્ષ તરીકે સીઆઈડી ક્રાઈમ અને રેલવેઝના પોલીસ મહાનિરીક્ષક હશે. આ ઉપરાંત સભ્ય તરીકે અન્ન અને નાગરિક પૂરવઠાના નિયામક તેમ જ સીઆઈડી ક્રાઈમ અને રેલવેઝના પોલીસ અધિક્ષકનો સમાવેશ કરવામાં આવ્યો છે.