અમદાવાદ: દેશ અને ગુજરાતમાં કેન્દ્ર સરકારની ગાઇડલાઇન મુજબ અનલોક-1 આપી દીધા બાદ ત્રણ તબક્કામાં છૂટછાટો આપી દેવામાં આવી છે. એટલે કે દેશમાં પહેલા ચરણમાં અને બીજા ચરણમાં એક બાદ એક છૂટછાટો સાથે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જવા માટે પાસની જરૂર નહીં, તેમજ પાનના ગલ્લાઓથી લઈ અનેક દુકાનો અને કંપનીઓમાં છૂટછાટ આપવામાં આવી છે પરંતુ શિક્ષણ કાર્ય હજૂ સુધી શરૂ થયું નથી. તેના માટેના પ્રયાસો હાથ ધરાઈ રહ્યા છે. જો કે, રાજ્યની કેટલીક ખાનગી શાળામાં તો વર્ચ્યુઅલ ક્લાસ શરૂ કરી દેવામાં આવ્યા છે. કોરોનાની મહામારીને કારણે સ્કૂલો ઓનલાઇન શિક્ષણની પદ્ધતિ અપનાવી રહ્યા છે.
અનલોક-1 વચ્ચે તારીખ 8 જૂનથી ધાર્મિક સ્થળો અને રેસ્ટોરન્ટ સહિત મલ્ટિપ્લેક્સ મોલ ખોલવાની છૂટછાટ આપવામાં આવી છે. આજ છૂટછાટ વચ્ચે અનેક રાજ્યો પોતાને ત્યાં સ્કૂલો શરૂ કરવા માટે હજૂ સુધી અસમંજસમાં જોવા મળી રહ્યા છે. ત્યારે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ અને હવે આરોગ્ય વિભાગની સાથે સાથે સ્કૂલના સંચાલકો, વાલીઓ અને કેટલાક નિષ્ણાંતો દ્વારા અભિપ્રાય મેળવી શાળા કયાં દિશાનિર્દેશને આધીન ખોલવી તે અંગેનો નિર્ણય લેવામાં આવી રહ્યો છે.
ગુજરાતમાં કોરોનાની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખી રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા કેન્દ્રીય માનવ સંસાધન મંત્રાલય આરોગ્ય વિભાગ તેમજ ગૃહ વિભાગની ગાઈડલાઈન અનુસાર સ્કૂલ શરૂ કરવા અંગેની નીતિ બનાવવા માટેની તૈયારી કરવામાં આવી રહી છે. જેમાં શાળાના સંચાલકોના જણાવ્યા મુજબ, શાળા ખુલતા પહેલા અમુક નિયમો બનાવવા ખુબ જ જરૂરી છે. જેવા કે, શાળાના ગેટ પાસે સેનેટાઇઝર ટનલની વ્યવસ્થા તેમજ ફરજિયાત માસ્ક પહેરવું.