અમદાવાદ :બિપરજોય વાવાઝોડા સામે ગુજરાતની જીત થઈ છે. કચ્છ જિલ્લાના જખૌ પોર્ટ પર 15 જૂનના સાંજે 6.30 કલાકથી બિપરજોય વાવાઝોડાની લેન્ડ ફોલ પ્રક્રિયા શરૂ થઈ હતી, જે રાત્રિના 12.30 વાગ્યા સુધી ચાલી હતી. જેમાં કચ્છ જિલ્લામાં ભારે નુકશાન સામે આવ્યું છે. મોડી રાત્રે સીએમ ભૂપેન્દ્ર પટેલે સમીક્ષા બેઠક કર્યા બાદ આજે સવારે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે મુખ્ય સચિવ રાજકુમાર અને અન્ય વિભાગના અધિકારીઓ સાથે પ્રભાવિત જિલ્લાના કલેકટર સાથે વિડિઓ કોન્ફરન્સ યોજીને પરિસ્થિતિની સાચી માહિતી મેળવી હતી.
સંકટ ટળી ગયાની ખુશી : વાવાઝોડું ગુજરાતના કચ્છ પરથી પસાર થયું, ત્યારે 140 કિમીની સ્પીડથી પવન સાથે ભારે વરસાદ આવ્યો હતો. ગાંધીધામમાં 8 ઈંચ, ભૂજમાં 6 ઈંચ અને અંજારમાં 5 ઈંચ વરસાદ પડ્યો હતો. તેમજ આખા ગુજરાતમાં પવન સાથે હળવાથી મધ્યમ વરસાદ થયો હતો. વાવઝોડુ આવવાનું હોવાથી શાળા, કોલેજ, માર્કેટ યાર્ડ, ઉદ્યોગ, ધંધા તમામ દુકાનો બંધ રહ્યા હતા. અને વાવાઝોડાને કારણે ગુજરાતના નાગરિકોએ આખી રાત ચિંતામાં વિતાવી હતી પણ સવારે જ્યારે પસાર થઈ ગયું, ત્યારે બધા આનંદમાં આવી ગયા હતા. ગુજરાત પરથી સંકટ ટળી ગયાની ખુશી હતી.
કેટલી નુકસાની : વાવાઝોડાની અસર બાબતે રાહત કમિશનર આલોક પાંડેએ જણાવ્યું હતું કે, વાવાઝોડાને કારણે 4,629 ગામમાં વીજળીનો પુરવઠાને અસર થઈ હતી. જેમાં અત્યાર સુધીમાં 3,580 ગામમાં વીજળી રીસ્ટોર કરવામાં આવી છે અને 1000 ગ્રામ્ય વિસ્તારોમાં હજુ પણ વીજળી નથી, જે ટૂંક સમયમાં વીજળી રીસ્ટોર કરવામાં આવશે. પીજીવીસીએલ દ્વારા જે વીજના થાંભલાઓ પડી ગયા છે તે થાંભલાઓને પણ અત્યારે હાલ રીસ્ટોર કરવામાં આવી રહ્યા છે. તેમજ ગુજરાતમાં 92 જેટલા પશુઓના મૃત્યુ નોંધાયા છે, અન્ય જિલ્લાઓના આંકડા હજી આવ્યા નથી, પણ તે માટે સર્વેની કામગીરી ચાલુ છે.
કેટલા રસ્તાઓ બંધ કરવામાં આવ્યા : વાવાઝોડાને કારણે કચ્છમાં 3,275 વૃક્ષો ભારે પવનના કારણે ધરાશાયી થયા છે, ત્યારે વૃક્ષોના ધરાશાયી થવાના કારણે ત્રણ જેટલા રોડ બંધ કરી દેવામાં આવ્યા છે અને આ ત્રણ રસ્તા પૈકી એક રસ્તામાં ખૂબ જ ઝાડ હોવાને કારણે રસ્તો બંધ છે. જ્યારે અન્ય બે રસ્તાઓ ડેમેજ થવાના કારણે બંધ કરવામાં આવ્યા છે. આ ત્રણેય રસ્તાઓ કચ્છ જિલ્લાના છે. ઝાડ પડી જવાના કારણે રસ્તાઓ મોટેરેબલ બનાવવા માટે એનડીઆરએફની ટીમ દ્વારા ઝાડ કાપવામાં આવી રહ્યા છે. ઉપરાંત રાજકોટ જિલ્લામાં વન વિભાગની 25 ટીમો દ્વારા વાવાઝોડાના કારણે ધરાશાયી થયેલ 70થી વધુ વૃક્ષોને રસ્તા પરથી દૂર કરવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે.
વાવાઝોડું આગળ વધી રહ્યું : હવામાન વિભાગના ડીરેક્ટર મનોરમા મોહંતીના જણાવ્યા અનુસાર હાલ વાવાઝોડુ કચ્છ જિલ્લાથી રાજસ્થાન તરફ આગળ વધી રહ્યું છે. ગુજરાતના ઉત્તર ગુજરાત તરફ આગળ વધશે અને જેથી બનાસકાંઠા, પાટણ જેવા જિલ્લાઓમાં 16 અને 17 તારીખે વરસાદની આગાહી કરવામાં આવી છે. હાલ આ વાવાઝોડું કચ્છથી ઉત્તર ગુજરાત તરફ થઈને પાકિસ્તાન- રાજસ્થાન તરફ આગળ વધી ગયું છે.
કેટલા જિલ્લામાં વાવાઝોડાની અસર : ગુજરાતના આઠ પ્રભાવી જિલ્લાઓ કે જેમાં ગીર સોમનાથ, કચ્છ, જુનાગઢ, રાજકોટ, મોરબી, દ્વારકા, રાજકોટ અને જામનગરના દરિયાકિનારેથી 10 કિલોમીટર સુધીના વિસ્તારમાં વસવાટ કરતા નાગરિકોનું સ્થળાંતર કરાવવામાં આવ્યું હતું. હવે વાવાઝોડાનું સંકટ ધીમેધીમે ઘટતું જઈ રહ્યું છે, ત્યારે સ્થાનિક તંત્ર અને રાજ્ય સરકાર દ્વારા આ તમામ લોકોને પોતાના ઘરે જવા માટેની પ્રક્રિયાઓ શરૂ કરવામાં આવી છે.
પ્રથમવાર આટલું મોટું સ્થાળતંર : ગુજરાતના રાહત કમિશનર આલોક કુમાર પાંડેએ જણાવ્યું હતું કે, ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ વખત એક લાખથી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું અને હવે સ્થાનિક તંત્ર દ્વારા જે તે જગ્યાનો સર્વે કરીને તેમને ઘરે પરત મોકલવામાં આવશે, પરંતુ હજુ પણ એક અથવા તો બે દિવસનો સમયગાળો લાગી શકે છે.
વાવાઝોડામાં ઝીરો કેઝયુલિટી :ગુજરાતમાં બિપરજોય વાવાઝોડાએ તબાહી મચાવી છે, ત્યારે આ વાવાઝોડામાં ઝીરો કેઝયુલિટી થઈ છે. વાવાઝોડામાં કોઈપણ પ્રકારની જાનહાનિ ન થાય તે માટે સતત સ્થળાંતર- બચાવની કામગીરી ચાલુ રાખવામાં આવી હતી. જેના ભાગરૂપે વાવાઝોડા અસરગ્રસ્ત આઠ જિલ્લાઓમાં અગમચેતી રૂપે કુલ 1171 પૈકી 1152 સગર્ભા બહેનોનું અગાઉથી જ સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું હતું. માત્ર સ્થળાંતર જ નહીં, પણ આમાંથી કુલ 707 બહેનોની સફળ પ્રસૂતિ કરાવી છે.
વાવાઝોડા વચ્ચે સફળ પ્રસુતિ ક્યાં જિલ્લામાં કેટલું સ્થળાતર : કચ્છ જિલ્લામાંથી સૌથી વધુ 552, જ્યારે રાજકોટમાં 176 , દેવભૂમિ દ્વારકામાં 135, ગીર સોમનાથમાં 94, જામનગરમાં 62, જૂનાગઢમાં 58, પોરબંદરમાં 33, રાજકોટ મહાનગરપાલિકા 26, જૂનાગઢ મનપામાં 8 તેમજ મોરબી અને જામનગર મનપામાંથી 4-4 એમ કુલ 1152 સગર્ભા બહેનોનું વાવાઝોડા પહેલાં સલામત જગ્યાએ સ્થળાંતર કરવામાં આવ્યું હતું. આ સલામત સ્થળે સ્થળાંતર કરાયેલી સગર્ભા બહેનોમાં કચ્છ જિલ્લામાં સૌથી વધુ 348, રાજકોટમાં 100, દેવભૂમિ દ્વારકામાં 93, ગીર સોમનાથમાં 69, પોરબંદરમાં 30, જૂનાગઢમાં 25, જામનગરમાં 17, રાજકોટ મહાનગરપાલિકામાં 12, જૂનાગઢ મનપામાં 8, જામનગર મનપામાં 4 અને મોરબી જિલ્લામાં 01 એમ કુલ- 707 બહેનોએ હોસ્પિટલ-આરોગ્ય કેન્દ્રોમાં સફળ પ્રસૂતિ કરાવવામાં આવી છે. આ સમગ્ર અભિયાનને સફળ રીતે પાર પાડવા તબીબી સ્ટાફ સાથે 302 સરકારી અને 202 જેટલી 108 એમ્બ્યુલન્સ રાત દિવસ સેવારત હતી.
મુખ્યપ્રધાને શું કહ્યું : ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, આ વાવાઝોડાનો સામનો કરવા માટે રાજ્યનું વહીવટીતંત્ર સંપૂર્ણપણે સજાગ અને સજ્જ હતું અને તેથી જ આ તીવ્ર વાવાઝોડા સામે ગુજરાતમાં બહુ મોટા નુકસાન અને જાનહાનિને ટાળી શકાયા છે. રાજ્ય સરકારની પૂર્વ તૈયારીઓ, અગમચેતી અને સમયસરના પગલાંઓને કારણે આપણે હેમખેમ આ કુદરતી આફતમાંથી પાર નીકળી શક્યા છીએ.
અસરગ્રસ્ત જિલ્લાઓમાં 237 ટીમો તૈનાત :રાજ્યના વન વિભાગ દ્વારા પવનના જોરથી ઉખડીને પડી ગયેલા વૃક્ષોને હટાવવા માટે સંભવિત અસરગ્રસ્ત જિલ્લાઓમાં 237 ટીમો તૈનાત કરવામાં આવી હતી. આ ટીમોએ રાજ્યમાં વાવાઝોડાની શરૂઆત થઇ ત્યારથી અત્યાર સુધીમાં ઉખડીને પડી ગયેલા કુલ 581 વૃક્ષોને રસ્તા પરથી હટાવ્યા છે. વાવાઝોડાને કારણે ભારે વરસાદ અને પવનની સ્થિતિમાં જાનમાલના નુકસાનને ટાળવા માટે આગોતરાં પગલાં લઇને સંભવિત અસરગ્રસ્ત 8 જિલ્લાઓમાંથી 4,317 જેટલા હોર્ડિંગ્સ હટાવી લેવામાં આવ્યા હતા. આ ઉપરાંત, અસર પામેલા વીજળીના થાંભલાઓ, નુકસાન પામેલા રસ્તાઓ, વીજ પુરવઠો ખોરવાઈ ગયેલા વિસ્તારો તેમજ નુકસાન પામેલા મકાનોને રિસ્ટોર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે.
વિવિધ વિભાગની કેટલી ટીમો તહેનાત : ઊર્જા વિભાગ હેઠળ, PGVCL દ્વારા સૌરાષ્ટ્રના 8 જિલ્લાઓના કુલ 3751 ગામડાઓમાં 1127 ટીમો તૈનાત કરવામાં આવી હતી, જ્યારે GETCO દ્વારા કુલ 714 સબસ્ટેશનોમાં 51 ટીમો તહેનાત કરવામાં આવી હતી. PGVCL દ્વારા સંભવિત અસરગ્રસ્ત જિલ્લાની આસપાસના જિલ્લાઓમાં કુલ 889 ટીમો સ્ટેન્ડ બાય રાખવામાં આવી, જ્યારે GETCO દ્વારા આસપાસના જિલ્લાઓમાં કુલ 81 ટીમો સ્ટેન્ડ બાય રાખવામાં આવી હતી.
વિવિધ સાધન સામગ્રી : રાજ્યના માર્ગ અને મકાન વિભાગે સંભવિત અસરગ્રસ્ત જિલ્લાઓમાં જરૂરી સાધન-સામગ્રી સહિત 132 ટીમો તૈયાર રાખી હતી. 328 જેસીબી મશીન, 276 ડમ્પર, 204 ટ્રેક્ટર, 60 લોડર અને 234 અન્ય સાધન સામગ્રી સાથે આ ટીમો અસરગ્રસ્ત થયેલા રસ્તાઓની મરમ્મતની કામગીરી કરી રહી છે. આ ઉપરાંત, અસરગ્રસ્ત જિલ્લાઓના 263 રસ્તાઓ પરથી અત્યારસુધીમાં 1137 વૃક્ષો હટાવવામાં આવ્યા છે.
પૂર્વ તૈયારીઓ અને અસરકારક પગલાં
• મુખ્યપ્રધાને વાવાઝોડાના સંદર્ભમાં ગાંધીનગરમાં સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે રાજ્યના ઉચ્ચ અધિકારીઓ સાથે તાકીદની સમીક્ષા બેઠક યોજી હતી અને તમામ જિલ્લાઓના વહીવટીતંત્રને સ્ટેન્ડ-બાય રહેવાના આદેશ કર્યા હતા. વિવિધ જિલ્લાના લોકોને સલામત સ્થળે ખસેડવા સહિતની માઇક્રો પ્લાનિંગ વ્યવસ્થાની પણ સમીક્ષા કરી હતી.
• 1 લાખ 8 હજારથી વધુ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા, જેમાં 10,918 બાળકો, 5070 વૃદ્ધો, 1152 સગર્ભા મહિલાઓનો સમાવેશ થાય છે.
• ઇન્ડિયન કોસ્ટગાર્ડ દ્વારા વાવાઝોડાના કારણે મધદરિયે ફસાયેલા 50 લોકોને એરલિફ્ટ કરવામાં આવ્યા હતા. દ્વારકામાં કોસ્ટગાર્ડે મધદરિયેથી 50 લોકોનું રેસ્ક્યુ કર્યું હતું. તમામને ઈન્ડિયન કોસ્ટ ગાર્ડના ઓખા ઓપરેશન સેન્ટર ખાતે લાવવામાં આવ્યા હતા.
• આ સાથે જ, જરૂર પડે તો મદદમાં આવી શકે તે માટે ભારતીય વાયુદળ, હવાઈદળ અને ભારતીય સેનાને પણ સ્ટેન્ડબાય રાખવામાં આવી હતી.
• દરિયો ખેડવા ગયેલા દરેક માછીમાર-સાગરખેડૂ સલામત પરત આવી ગયા હતા અને 21 હજારથી વધુ હોડીઓ દરિયાકિનારે આવી ગઈ હતી.
• ગુજરાતના દરિયાકાંઠાના 9 જિલ્લાઓ એટલે કે કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, પોરબંદર, ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ અને વલસાડ તેમજ 1 કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાં મળીને કુલ 19 NDRF ટીમો તહેનાત કરવામાં આવી હતી.
• દરિયાકાંઠાના 7 જિલ્લાઓ (કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, પોરબંદર, ગીર સોમનાથ, જૂનાગઢ) અને પાટણ અને બનાસકાંઠામાં 12 SDRF ટુકડીઓ તૈનાત કરવામાં આવી અને સુરત ખાતે 1 SDRF ટુકડીને રિઝર્વ રાખવામાં આવી હતી.
• કચ્છમાં 63 રસ્તા અસરગ્રસ્ત થયેલ છે. સમગ્ર જિલ્લામાં 1670 જેટલા કાચા અને 275 જેટલા પાકા મકાન અસરગ્રસ્ત થયેલ છે.
કચ્છ પર નજર : કચ્છ જિલ્લામાં 80,000 જેટલા વીજ પોલ ક્ષતિગ્રસ્ત થયેલા છે. કચ્છ જિલ્લામાં 3275 જેટલા વૃક્ષ ધરાશાયી થયા, કચ્છમાં જિલ્લામાં 71 પશુ મૃત્યુ પામેલ છે. ગુજરાતમાં કુલ 92 પશુઓના મોત થયા છે.
અમિત શાહ ગુજરાત આવશે :કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આવતીકાલે 17 જૂન, 2023ના રોજ ગુજરાત આવશે અને કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયાકિનારાના વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કરશે. તેમજ તેમની સાથે ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ જોડાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે ટેલિફોન પર વાત કરી હતી અને વાવાઝોડા સમયે શું બન્યું અને કેટલું નુકસાન છે, તેની જાણકારી મેળવી હતી.
- Cyclone Biparjoy Landfall Impact: સમગ્ર સુરતમાં 134 વૃક્ષો ધરાશાયી, મોડીરાત સુધી ચાલી કામગીરી
- Cyclone Biparjoy Landfall Impact: જામનગરમાં અનેક વૃક્ષો અને વીજ પોલ ધરાશાયી, સીએમ લઇ શકે છે મુલાકાત
- Cyclone Biparjoy Landfall Impact: સૌરાષ્ટ્ર-ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદ