ભાજપ સરકારને આડે હાથ લીધી અમદાવાદ :કોંગ્રેસ દ્વારા ભાજપ સરકારની નીતિઓ બાબતે છાશવારે પ્રહારો કરવામાં આવે છે. ત્યારે હવે ફરીથી ગુજરાત કોંગ્રેેસ ભાજપ સરકારને શિક્ષણક્ષેત્રની બદતર સ્થિતિને લઇ આડે હાથ લીધી હતી. કોંગ્રેસે સ્પર્ધાત્મક પરીક્ષાઓ બાબતે પ્રવર્તમાન સરકાર પર પ્રહારો કર્યા હતા. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ ભાજપ સરકારને આડે હાથ લીધી હતી.
સરકાર દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા ગુજરાતના હજારો યુવાન યુવતી ભાજપની નીતિથી હેરાન પરેશાન થઈ રહ્યા છે. યુવા વર્ગ સમય શક્તિના ખર્ચ સાથે આર્થિક પરેશાની પણ ભોગવી રહ્યા છે. ગુજરાતના નોકરીવાંછુ યુવક યુવતીઓ મહેનતુ છે. જોકે તેમની મહેનત પર સરકાર પાણી ફેરવી રહી છે...ડૉ. મનીષ દોશી (પ્રવક્તા, ગુજરાત કોંગ્રેસ )
વિદ્યાર્થીઓનું ભાવિ જોખમમાં :ભાજપ સરકારની અટકાવવું, લટકાવવું અને ભટકાવવાની નીતિ પર આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ વધુમાં જણાવ્યું હતું કે ગુજરાત જાહેર સેવા આયોગની ( GPSC )ની પ્રાથમિક પરીક્ષાઓ ભાજપ સરકાર દ્વારા યેનકેન પ્રકારે રદ કરી દેવામાં આવે છે. જેથી વિદ્યાર્થીઓનું ભાવિ જોખમમાં મુકાઇ રહ્યું છે.
પરીક્ષાઓ કેલેન્ડર પ્રમાણે યોજાઈ રહી નથી : ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા વર્ષ 2023 દરમ્યાન પ્રસિધ્ધ થયોલી જાહેરાતોમાંથી મોટાભાગની પ્રિલિમ પરીક્ષાઓ કેલેન્ડર પ્રમાણે યોજાઈ રહી નથી. અને તૈયારી કરતા ગુજરાતના હજારો મહેનતુ યુવાન યુવતીઓના ભવિષ્ય સાથે ભાજપ સરકાર રમત રમી રહી છે. જીપીએસસીની પરીક્ષાઓની પહેલા જાહેરાત પછી બે વર્ષ સુધી પરીક્ષાઓ ન યોજવા પાછળ પણ કોઈ કારણ જણાવવામાં આવતું નથી. જેમાં છેલ્લા છ મહિનાથી દર મહિને પ્રિલિમ પરીક્ષાઓ રદ કરવામાં આવી રહી છે. છેલ્લા 6 મહિનામાં જીપીએસસી દ્વારા 20 જેટલી પરીક્ષાઓ ‘ વહીવટી ’ કારણો આગળ ધરીને પરીક્ષા મોકૂફ કરવાનો ખેલ ભાજપ સરકાર ચલાવી રહી છે.
યુવાઓ પાયમાલ થવાનો આક્ષેપ : મનીષ દોશીએ ભાજપની આ નીતિ અંગે ભારે રોષ ઠાલવતા કહ્યું હતું કે સરકારી ભરતી માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા ગુજરાતના હજારો યુવાન યુવતીઓ સરકારની આ નીતિને કારણે પરેશાન તો થઈ રહ્યા છે સાથે જ તેમનું ભવિષ્ય પણ અંધકારમય બની રહ્યું છે. પરીક્ષાની તૈયારી કરતાં સમય શક્તિના ખર્ચ સાથે આર્થિક રીતે પણ યુવાઓ પાયમાલ થઈ રહ્યા છે.
- અમદાવાદ કોંગ્રેસ કાર્યાલય ખાતે બિનકોંગ્રેસી લોકો દ્વારા દેખાવો, બન્ને પક્ષ વચ્ચે મારામારી
- સિરપકાંડના મૃતકોના પરિજનોને મુલાકાતે પહોંચેલા અમિત ચાવડાએ સરકાર પર કર્યા પ્રહાર, કહ્યું- સરકારની મીલીભગત વગર આ શક્ય નથી