અમદાવાદ : ગુજરાતને દેશના ઘણા રાજ્યો કરતા વધુ પ્રગતિશીલ માનવામાં આવે છે અને તેને લીધે અહીંના વિકાસ મોડલની ચર્ચા દેશ અને વિદેશમાં થાય છે. જો કે કોરોના કહેરને લીધે રાજ્યની આરોગ્ય સુવિધાઓની પોલ ખુલી ગઈ છે. મૃત્યુઆંકમાં ભલે ગુજરાત મહારાષ્ટ્ર બાદ બીજા સ્થાને હોય પરંતુ મૃત્યુદરમાં 6.22 ટકા સાથે દેશમાં મોખરે છે. મહારાષ્ટ્રમાં કોરોનાથી સૌથી વધુ 2,849 મોત થયા છે. જોકે ત્યાં મૃત્યુદર માત્ર 3.55 ટકા જેટલો છે. ગુજરાતમાં મહારાષ્ટ્ર, તમિલનાડુ, દિલ્હીની સરખામણી ઓછા કેસ હોવા છતાં મોત વધુ થયા છે. ગુજરાત કરતાં ઓછા વિકસિત રાજ્યોની શ્રેણીમાં આવતા બિહાર, છત્તીસગઢ, ઝારખંડમાં મૃત્યુદર ઓછો છે. દેશના ઓડિશા, કેરળ, ઉત્તરાખંડ સહિત કુલ 9 રાજ્ય એવા છે કે જ્યાં મૃત્યુદર 1 ટકા કરતાં પણ ઓછો છે.
દેશમાં ગુજરાત કોરોનાના મૃત્યુદરમાં મોખરે ગુજરાતમાં 30 મેથી 5 જૂન સુધીના અઠવાડિયામાં કોરોના કુલ 3,175 નવા કેસ નોંધાયા છે, જ્યારે આજ સમયગાળામાં 210 દર્દીઓના મોત નીપજ્યાં છે. આ આંકડાઓ રાજ્યમાં ઉત્પન્ન થતી ભયાનક સ્થિતિનો અંદાજ આપી શકે છે. જોકે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવતી અખબારી યાદી પ્રમાણે 5 જૂન સુધીમાં ગુજરાતમાં રિકવરી રેટ 68.05 ટકા જેટલો ઊંચો છે. રાજ્ય સરકાર રિકવરી રેટ પર ધ્યાન આપી રહી છે, જ્યારે અનલૉક પછી દરરોજ 400 જેટલા કેસ અને દર કલાકે એક દર્દીના મોત અને આ સ્થિતિને કઈ રીતે રોકી શકાય અંગે કોઈ પ્રતિક્રિયા નથી. આરોગ્ય સચિવ દ્વારા કરાતી પ્રેસ કોન્ફરન્સ હવે બંધ કરી દેવાઈ છે. આ મુદ્દે સરકાર પણ મૌન છે. દેશમાં ગુજરાત કોરોનાના મૃત્યુદરમાં મોખરે ગુજરાતનો સૌથી વધુ મૃત્યુદર તેની આરોગ્યને લગતી સુવિધાઓ સામે પ્રશ્નો ઉભા કરે છે. નોંધનીય છે કે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તૈયાર કરાયેલી 1200 બેડની કોવિડ-19 હોસ્પિટલમાં માત્ર 180 વેન્ટિલેટર છે, જોકે પાછળથી નવા 40 વેન્ટિલેટરની વ્યવસ્થા કરાતાં હાલ 220 વેન્ટિલેટર હોવાનું સરકારે હાઈકોર્ટને જણાવ્યું હતું. ગુજરાત હાઈકોર્ટે પણ ગુજરાત સરકારની ટીકા કરી હતી અને ટાંકયું હતું કે માનવીને મરતા ન છોડી શકાય. આરોગ્યપ્રધાન, આરોગ્ય સચિવ કેટલી વખત સિવિલ હોસ્પિટલની મુલાકાતે ગયા છે? તેમજ સરકારી હોસ્પિટલો જ માંદગીના બિછાને હોય ત્યારે દર્દીઓની હાલત કફોડી રહે છે. સીનીયર ડૉકટરો દર્દીઓની વિઝિટ લેવા જ આવતાં નથી, એવા આક્ષેપો પણ થયા. અનેક દર્દીઓએ સિવિલ હોસ્પિટલની સારવારમાં બેદરકારીના અનેક વિડીયો વાયરલ કર્યા હતા, જે પછી સરકારી તંત્ર સફાળું જાગ્યું હતું. સરકારી હોસ્પિટલની આવી સ્થિતિ હોય તો ડેથ રેટ વધારે જ આવે ને… એશિયાની સૌથી મોટી મનાતી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કોરોનાથી સૌથી વધુ મોત થતાં ગુજરાત હાઈકોર્ટે હોસ્પિટલને કાળકોટડી સાથે સરખાવી હતી. નોંધનીય છે કે 20 મે સુધીમાં અમદાવાદમાં કોરોનાથી થયેલા કુલ મોત પૈકી 62 ટકા મોત અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં થયા હતા. આ સાથે જ દેશી વેન્ટિલેટર ધમણ-1ની નિષ્ફળતાને કારણે સિવિલમાં મોટી સંખ્યામાં મોત થયા હોવાના આક્ષેપ છે. ધમણ-1ના ઉપયોગ અંગે માહિતી નહીઃ કોંગ્રેસ
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મોટી સંખ્યમાં થતા મોત માટે પ્રાથમિક વેન્ટિલેટર ધમણ-1ને જવાબદાર માનવામાં આવી રહ્યું છે. 26 મે ના રોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ અમિત ચાવડા અને તેમની પાર્ટીના ધારાસભ્યો સિવિલના સુપ્રીટેનડેટ એમ. એમ. પ્રભાકરની એપોઇન્ટમેન્ટ લીધી હોવા છતાં તેમની સાથે મુલાકાત કરી નથી. કોંગ્રેસનો આક્ષેપ છે કે 4 એપ્રિલથી 15 મે સુધીમાં કેટલા દર્દીઓની સારવારમાં ધમણ-1નો ઉપયોગ કરાયો છે તેની વિગતો વહીવટીતંત્ર દ્વારા આપવામાં આવી નથી. સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે વેન્ટિલેટર ધમણ-1નો ઉપયોગ હાલ પૂરતો બંધ કરી દેવામાં આવ્યો છે. કોંગ્રેસ ગુજરાતમાં કોરોના ફેલાવવા પાછળ મોદી-ટ્રમ્પના નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમને જવાબદાર માની રહી છે અને આ મુદ્દે ટૂંક સમયમાં હાઈકોર્ટમાં રિટ દાખલ કરશે.
અમદાવાદ સિવિલ કોવિડ હોસ્પિટલમાં માત્ર 25 પલ્મોનોલોજીસ્ટ ઉપલબ્ધ છેકોરોના મૂળ ફેફસાં સબંધિત બીમારી છે અને તેના મૂળ સ્પેશ્યલિસ્ટને પલ્મોનોલોજીસ્ટ કહેવામાં આવે છે. 1200 બેડની અમદાવાદ સિવિલ કોવિડ હોસ્પિટલમાં માત્ર 5 પલ્મોનોલોજીસ્ટ અને ખાનગી હોસ્પિટલમાંથી બોલાવવામાં આવતા 20 જેટલા પલ્મોનોજીસ્ટ આમ કુલ 25 પલ્મોનોલોજીસ્ટ કાર્યરત છે, જે દર બેત્રણ કલાકે દર્દીઓની સારવાર માટે વોર્ડમાં રાઉન્ડ મારે છે. કોવિડ હોસ્પિટલમાં કુલ 25 વોર્ડ આવેલા છે અને દરેક વોર્ડમાં દર્દીઓના બેડ વચ્ચે 6 ફૂટના ગેપની વ્યવસ્થા કરાઈ છે.ગુજરાતમાં વર્તમાનમાં સમયમાં દરરોજ 400થી વધુ કોરોના પોઝિટિવ કેસ સામે આવી રહ્યા છે 5 જૂને કોરોના પોઝિટિવ નવા 510 કેસ નોંધાયા હતા અને કુલ આંકડો 19 હજારને પણ વટાવી ચુક્યો છે. રાજ્યમાં કોરોનાથી અત્યાર સુધીમાં 1190 દર્દીઓના મોત નીપજ્યાં છે. તેમાંય અમદાવાદમાં કોરોના પોઝિટિવ કુલ 13,678 કેસ છે, જેમાંથી 968 મોત થયા છે. ભારતના અન્ય શહેરની સરખામણીએ ડેથ રેટમાં અમદાવાદ મોખરે નંબર વન છે.અમદાવાદથી આકીબ છીપાનો વિશેષ અહેવાલ