તમામ સભ્યોની સંમતિથી બિલ પસારઃ ઋષિકેશ પટેલ ગાંધીનગરઃગુજરાત વિધાનસભા સત્રમાં ઈમ્પેક્ટ ફી બાબતે 4 મહિનાની મુદત વધારવા માટે વિધેયક પસાર કરવામાં આવ્યું હતું. મહત્વનું છે કે, રાજ્યમાં શહેરી વિસ્તારમાં થયેલા ગેરકાયદે બાંધકામ કાયદેસર કરવા રાજ્ય સરકાર દ્વારા ગુજરાત અને અનધિકૃત વિકાસને અધિકૃત કરવા માટે ગૃહમાં વિધેયક પસાર કરવામાં આવ્યું હતું. આ સમગ્ર મામલે બિલ મુદ્દે સત્તા પક્ષ અને વિપક્ષના 20 જેટલા ધારાસભ્યોએ પોતાની રજૂઆત કરી હતી. અગાઉ આ બિલ વર્ષ 2001, વર્ષ 2011, વર્ષ 2013, વર્ષ 2022 અને હવે વર્ષ 2023માં લાવવામાં આવ્યું છે. જોકે, આ બિલ બહુમતીથી ગૃહમાં પસાર થયું હતું.
આ પણ વાંચોઃBudget Session: વિધાનસભામાં પહેલા જ દિવસે ગુજરાત જાહેર પરીક્ષા વિધેયક પસાર, છતાં કૉંગ્રેસ-AAPએ ઉઠાવ્યા અનેક પ્રશ્નો
કૉંગ્રેસે આ બિલને સમર્થન નથી આપ્યુંઃ ઈમ્પેક્ટ ફી અંગે કૉંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ જણાવ્યું હતું કે, ગુજરાત વિધાનસભામાં સરકાર તરફથી ઈમ્પેક્ટ ફીના કાયદામાં સુધારા અંગેનું બિલ લાવવામાં આવ્યું હતું, જેમાં કૉંગ્રેસ તરફથી માગ કરવામાં આવી હતી કે, કટ ઑફ ધ ડેટ નક્કી કરવામાં આવે, પરંતુ સરકાર દ્વારા બહુમતીના જોરે આ બિલને મંજૂર કરી દેવામાં આવ્યું છે. તેમ જ આ બિલ અંગે સરકાર દ્વારા કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી, જેથી કૉંગ્રેસે આ બિલને સમર્થન આપ્યું નથી.
તમામ સભ્યોની સંમતિથી બિલ પસારઃ આ બિલ અંગે રાજ્ય સરકારના પ્રવક્તા પ્રધાન ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, કોઈના ઘરનું સપનું ન છીનવાઈ જાય તે આ કાયદાથી પ્રયાસ કરાયો છે. સભાના તમામ સભ્યોની સંમતિથી આ બિલ અગાઉ પસાર થઈ ચૂક્યું હતું. 17 ઑક્ટોબર 2022થી આ કાયદો અમલમાં લાવામાં આવ્યો છે, જેમાં સુધારા માટે આજે ગૃહમાં લાવવામાં આવ્યો હતો. આમાં માર્જિન, મકાનની ઊંચાઈ, પાર્કિંગ આ તમામ બાબતોનું ધ્યાન રાખીશું અને ફી પણ દરેક વ્યક્તિને પોષાય તેવી રાખવામાં આવી છે. તો રાજ્યમાં ઑનલાઈન અને ઑફલાઈન 57,000 જેટલી અરજી મળી છે. 1 ઑક્ટોબર 2022 સુધીની મિલકતો કાયદેસર થઈ જાય તેવું આયોજન સરકારે કર્યું છે.
આ પણ વાંચોઃGujarat Public Examination Bill: નવી પરીક્ષાઓ કાયદો બન્યા બાદ જ યોજાશે, ગુજરાત બોર્ડ અને યુનિવર્સિટી બાકાત
ધારાસભ્યોએ વિચાર રજૂ કર્યાઃમહત્વનું છે કે, આ બિલ મુદ્દે ધારાસભ્ય અમૂલ ભટ્ટ, જિતુ વાઘાણી, રિવાબા જાડેજા, દર્શિતા શાહ, ચૈતર વસાવા, જિતેન્દ્ર પટેલ, પ્રદ્યુમનસિંહ જાડેજાએ પણ પોતાના વિચારો રજૂ કર્યા હતા.