ભાજપા પ્રદેશ પ્રમુખ જીતુભાઇ વાઘાણીએ ગાયિકા ભૂમિ પંચાલ, સનેડો ફેઇમ એક્ટ્રેસ રિયા પંચાલ, સુપ્રસિદ્ધ ગુજરાતી ફિલ્મ ‘‘છેલ્લો દિવસ’’ના રિધમ ભટ્ટ, નદીમ વઢવાણીયા તથા ડિરેક્ટર જીગ્નેશન મકવાણા સહિતના ગુજરાતી કલાકારોને ભાજપાનો ખેસ પહેરાવી વિધિવત્ ભાજપામાં આવકાર્યા હતા. આ પ્રસંગે પૂર્વ પ્રધાન શંકર ચૌધરી તથા પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યા ઉપસ્થિત રહ્યા હતા.
સંગઠન પર્વ 2019: ગુજરાતના સુપ્રસિદ્ધ કલાકારો જોડાયા ભાજપામાં - ભાજપા સદસ્યતા અભિયાન
અમદાવાદઃ ‘સંગઠન પર્વ 2019’ અંતર્ગત ભાજપા સદસ્યતા અભિયાન ચાલી રહ્યું છે. ત્યારે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની ‘‘રાષ્ટ્રપ્રથમ’’ની વિચારધારા અને વિકાસલક્ષી રાજનીતિથી પ્રેરણા લઇ જનસેવાના ભાવથી વિવિધ ક્ષેત્ર, વિવિધ વર્ગ તથા વિવિધ સમાજના લોકો ભારતીય જનતા પાર્ટીમાં જોડાઇ રહ્યા છે. જેમાં ભાજપા પ્રદેશ પ્રમુખ જીતુભાઇ વાઘાણીની વિશેષ ઉપસ્થિતિમાં ભાજપા પ્રદેશ કાર્યાલય ખાતે ગુજરાતના સુપ્રસિદ્ધ કલાકારો ભાજપામાં જોડાયા હતા.
જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા ભાજપાના રાષ્ટ્રીય પ્રમુખ અને કેંન્દ્રીય ગૃહપ્રધાન અમિતભાઇ શાહ એક ગુજરાતી છે. ત્યારે ગુજરાતની સમગ્ર જનતા માટે એક ગૌરવ અને આનંદની વાત છે. સતત 1995થી અવિરતપણે ભાજપા પર ગુજરાતની જનતાએ વિશ્વાસ મૂક્યો છે. આશરે 70 વર્ષ કરતા પણ વધારે સમયથી કાશ્મીરના વિકાસમાં અવરોધરૂપ એવી કલમ-370ને દુર કરવા માટે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને કેંન્દ્રીય ગૃહ પ્રધાન અમિતભાઇ શાહના મજબૂત રાજકિય ઇચ્છાશક્તિ દર્શાવતા હિમ્મતભર્યા ઐતિહાસિક નિર્ણયથી પ્રભાવિત થઇ સમગ્ર દેશ અને ગુજરાતની જનતાનો વધુને વધુ ભાજપા તરફી અપાર પ્રેમ અને વિશ્વાસ પ્રદર્શીત થાય તે સ્વાભાવિક છે. ત્યારે ભાજપા સંગઠન ભાજપામાં જોડાઇ રહેલા સૌ કોઇનું સ્વાગત કરે છે.