અમદાવાદ : ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનો 5 બેઠક પર વિજય થયો હતો અને 12.9 ટકાનો વોટ શેર મળ્યો હતો. જોકે, પહેલી જ વાર વિધાનસભાની ચૂંટણી લડવી અને આમ આદમી પાર્ટીને 12.9 ટકાનો વોટ શેર મળવો તે સારી બાબત ગણાય છે. આ વોટ શેરની ગણતરીને ધ્યાનમાં લઈને જ આમ આદમી પાર્ટી નેશનલ પાર્ટી બની ગઈ છે. પરંતુ ગુજરાત હોય કે દિલ્હી હોય કે પછી પંજાબ હવે આપને પોતાનું અસ્તિત્વ જાળવું મોંઘુ પડી રહ્યું છે.
સુરતનો ગઢ સાચવવો મોટો પડકાર :સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીથી આમ આદમી પાર્ટીના ઉદયની શરૂઆત થઈ હતી. 127 બઠકોમાંથી 27 બેઠકો પર જીત મેળવી હતી. ત્યાંથી આપ બમણા જોશથી કામ કરી રહી હતી. આમ આદમી પાર્ટી માટે સુરત એપી સેન્ટર બની ગયું હતું. જોકે, આ જ સુરતના 27 કોર્પોરેટરોમાંથી 12 કોર્પોરેટરો ભાજપમાં જોડાઈ ગયા છે. હવે 15 કોર્પોરેટર બચ્યા છે. જો સુરતમાં 12 કોર્પોરેટરોથી સંખ્યા ઓછી થશે તો વિપક્ષનું પદ પણ જતું રહેશે. આમ આદમી પાર્ટી માટે સુરતનો ગઢ સાચવી રાખવો ખૂબ મુશ્કેલી થઈ પડ્યો છે.
ઈશુદાન ગઢવીનો આક્ષેપ :સુરતની ઘટના પછી આમ આદમી પાર્ટી સતત કહી રહી છે કે ભાજપ પાસે પૈસા અને પાવર બધુય છે, જેથી તેઓ તડજોડની રાજનીતિ કરી રહી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી પછી ઈસુદાન ગઢવીને આમ આદમી પાર્ટીએ પ્રદેશ પ્રમુખ બનાવ્યા છે. હાલ તો ઈસુદાન માટે પાર્ટીને બચાવવી અને ટકાવી રાખવી મુશ્કેલ બન્યું છે.
ગોપાલ ઈટાલિયાની ધરપકડ પછી જામીન પર છૂટકારો :તાજેતરમાં ગોપાલ ઈટાલિયાએ હર્ષ સંઘવીને ડ્રગ્સ સંઘવી કહ્યા હતા, તે મુદ્દે તેમની સામે પોલીસ ફરિયાદ દાખલ થઈ હતી. આ કેસમાં સુરત પોલીસે ગોપાલ ઈટાલિયાની ધરપકડ કરી હતી. જોકે, ત્યારબાદ જામીન પર છૂટકારો થયો હતો. આમ આદમી પાર્ટી ચારેકોરથી ભીંસમાં છે. મનીષ સિસોદિયા જેલમાં, કેજરીવાલની સીબીઆઈ ઈડી દ્વારા પુછપરછ દિલ્હીમાં, ડેપ્યુટી મુખ્યપ્રધાન અને શિક્ષણપ્રધાન મનિશ સિસોદીયા દિલ્હી લીકર સ્કેમમાં જેલમાં છે. સીએમ અરવિંદ કેજરીવાલની પણ આ કેસમાં સીબીઆઈએ પુછપરછ કરી છે. પંજાબમાં અમૃતપાલસિંહની ઘટના પછી ખાલિસ્તાની ચળવળ વધુ તેજ બનતી જઈ રહી છે. કેજરીવાલ મોદી વિરુદ્ધ કંઈકને કંઈક કૌભાંડ બહાર લાવી રહ્યા છે, તેમ સીબીઆઈ અને ઈડી દ્વારા આમ આદમી પાર્ટીના નેતાની કોઈને કોઈ કેસમાં પૂછપરછ અને સંડોવણી દર્શાવીને અટકાયત કરી રહી છે.
યુવરાજસિંહની ડમી કાંડમાં ધરપકડ :ભાવનગરમાં ડમી ઉમેદવાર કૌભાંડમાં અત્યાર સુધી આપના નેતા યુવરાજસિંહ જાડેજા પેપર લીકની તમામ માહિતી સરકાર અને પ્રેસને આપતા હતા. તે યુવરાજસિંહ એક કરોડની ખંડણી કેસમાં ફસાયા છે. ગત મોડી રાતે 21 એપ્રિલે ભાવનગર પોલીસે ખંડણીનો ગુનો દાખલ કરીને ધરપકડ કરી છે.