આ અનોખી હેકાથોન માટે દેશભરમાં ફાર્મસી, બાયોટેકનોલોજી, નર્સિંગ, MBBS અને આરોગ્ય જગતના અન્ય કોર્સ ચલાવતી કૉલેજોના વિદ્યાર્થીઓને આમંત્રણ આપવામાં આવશે. GTU તરફથી વિવિધ ઉદ્યોગો, સરકારી એજન્સીઓ તથા ઔદ્યોગિક સંગઠનો જેવા કે ઈન્ડિયન ડ્રગ મેન્યુફેક્ચરર્સ એસોસિએશન, આયુર્વેદ ડ્રગ મેન્યુફેક્ચરર્સ એસોસિએશન, ગુજરાત આયુર્વેદિક ઔષધ મેન્યુફેક્ચરર્સ એસોસિએશન, બલ્ક ડ્રગ મેન્યુફેક્ચરર્સ એસોસિએશન, ડ્રગ કંટ્રોલર જનરલ ઑફ ઈન્ડિયા, કેન્દ્ર અને રાજ્ય સરકારના આરોગ્ય મંત્રાલય, આયુષ મંત્રાલય, કેમિકલ ઉદ્યોગના સંગઠનો, એસોસિએશન ઑફ હેલ્થકેર પ્રોવાઇડર્સ ઈન્ડિયા અને હેલ્થકેર ફેડરેશન ઑફ ઈન્ડિયા વગેરેને સંદેશા પાઠવીને તેઓને મુંઝવતી સમસ્યાઓ તથા પડકારો વિશે જાણકારી મંગાવવામાં આવી છે.
આરોગ્ય અને ફાર્મસી ઉદ્યોગની સમસ્યાઓ નિવારવા GTU યોજશે રાષ્ટ્રીય સ્તરની હેકાથોન - Ahmedabad
અમદાવાદઃ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (GTU) આરોગ્ય અને ફાર્મસી ઉદ્યોગની સમસ્યાઓ નિવારવા રાષ્ટ્રીય સ્તરની હેકાથોન આગામી 28થી 29 સપ્ટેમ્બર દરમિયાન યોજશે. તેવી જાહેરાત GTUના વાઈસ ચાન્સેલર પ્રો.(ડૉ) નવીન શેઠે કરી છે.
તેમાંથી મહત્ત્વની સમસ્યાઓ હલ થઈ શકે એવી એપ્લિકેશન કે એપ બનાવનાર કે પ્રોજેક્ટ વિકસાવનાર ટીમોને GTU તરફથી પારિતોષિકો પણ એનાયત કરવામાં આવશે તેમ ડૉ. શેઠે જણાવ્યું હતું.
ભારત હાલમાં ફાર્મસી હબ તરીકે વિકાસ પામ્યું છે. ભારતનો ફાર્મસી ઉદ્યોગ કદની દ્રષ્ટિએ ત્રીજા સ્થાને અને મૂલ્યની દ્રષ્ટિએ 14માં સ્થાને છે. જો કે વૈશ્વિક મંદી અને અન્ય પરિબળોને કારણે આરોગ્ય અને ફાર્મસી ઉદ્યોગ અનેક સમસ્યાઓ અને પડકારોનો સામનો કરી રહ્યા છે. આ બાબતને ધ્યાનમાં રાખીને ખાસ હેકાથોનનુ આયોજન કરવામાં આવ્યું છે.