ગુજરાત

gujarat

ETV Bharat / state

ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવવાનો વિકલ્પ સરકારે રદ્દ કરતા મેક ડોનાલ્ડની હાઈકોર્ટમાં રિટ

અમદાવાદઃ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ કાયદા હેઠળ ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવવાનો વિકલ્પ સરકારે રદ કરતા મેક ડોનાલ્ડે ગુજરાત હાઇકોર્ટમાં રિટ દાખલ કરતા જસ્ટિસ હર્ષા દેવાણીની અધ્યાક્ષતાવાળી ખંડપીઠે આ મુદે કેન્દ્ર અને રાજ્ય સરકાર સહિતના પક્ષકારોને નોટિસ પાઠવી ખુલાસો માંગ્યો છે. આ મામલે વધુ સુનાવણી 11મી ડિસેમ્બરના રોજ હાથ ધરવાનો આદેશ કર્યો છે.

સ્પોટ ફોટો

By

Published : Nov 19, 2019, 8:05 PM IST

મેક ડોનાલ્ડ રેસ્ટોરન્ટ તરફે દાખલ અરજીમાં રજૂઆત કરવામાં આવી છે કે, રેસ્ટોરેન્ટ માટેનો GSTનો દર 18 ટકામાંથી 5 ટકા કર્યા બાદ સરકારે ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવવાનો વિકલ્પ રદ કર્યો છે. મેક ડોનાલ્ડની ભારત સ્થિત ફ્રેન્ચાઇઝીએ ગુજરાત હાઇકોર્ટમાં પિટિશન રજૂઆત કરી છે કે, તેઓ ફાસ્ટફૂડ ચેઇનના વ્યાવસાય સાથે સંકળાયેલા છે. જુલાઇ-2017માં જ્યારે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ લાગુ કરવામાં આવ્યો, ત્યારે રેસ્ટેન્ટ સેક્ટર પર 18 ટકા GST લાગુ કરવામાં આવ્યો હતો. જેમાં 9 ટકા કર કેન્દ્ર સરકારના હિસ્સે જતો હતો અને 9 ટકા હિસ્સો રાજ્ય સરકારના હિસ્સે જતો હતો. અરજદાર પણ વાનગીઓ બનાવવા માટેનો કાચો માલ અન્ય વેપારીઓ પાસેથી ખરીદી કરતા હોવાથી આ ખરીદીમાંથી તેમને ઇનપુટ ટેક્સ ક્રેડિટ મળતી હતી.

ત્યારબાદ 14 નવેમ્બર 2017ના રોજ કેન્દ્ર સરકારે રેસ્ટોરન્ટ સેક્ટર પરનો GST 18 ટકામાંથી ઘટાડી પાંચ ટકા કર્યો અને પાંચ ટકાનો દર લાગુ કર્યા બાદ એવું પણ જાહેર કર્યુ કે, નવા લાગુ કરાયેલા દર બાદ ઇનપુટ ટેક્સ ક્રેડિટ નહીં મળી શકે. અરજદારની રજૂઆત છે કે, રેસ્ટોરન્ટ સેક્ટરનો ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવવાનો અધિકાર આવી રીતે પરત લઇ શકાય નહી. તેઓ કાચો માલ લઇ વાનગીઓ બનાવી વેચતા હોવાથી GST કાયદાની અન્ય જોગવાઇઓ પ્રમાણે ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવવાના હકદાર છે. હાઇકોર્ટે આ અંગે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, સ્ટેટ GST કાઉન્સિલ અને GSTના આસિસન્ટન્ટ કમિશ્નરને નોટિસ પાઠવી આગામી સુનાવણી 11મી ડિસેમ્બરના રોજ હાથ ધરવાનો આદેશ કર્યો છે.

ABOUT THE AUTHOR

...view details