ભવિષ્યમાં તમામ ગ્રાન્ટેડ કોલેજોને પણ આ રીતે એક જ યુનિવર્સિટી સાથે જોડી દેવામાં આવે તેવી શકયતા છે. યુનિવર્સિટીના કુલપતિ બદલાતાની સાથે જ અનેક નવા સમીકરણો આકાર લઇ રહ્યા છે. ભૂતકાળમાં આ પ્રકારની વાતો વહેતી થતા અનેક વિવાદો ઉભા થયા હતા. પરંતુ આ વખતે સરકારે પણ આ નિર્ણયમાં સહમતી આપતા આગામી દિવસોમાં યુનિવર્સિટી અન્ય કોલેજને જોડાણ આપી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.
રાજ્યમાં કુલ 19 સરકારી બી.એડ. કોલેજો જુદી જુદી 9 યુનિવર્સિટીઓ સાથે સંકળાયેલી છે. આ ઉપરાંત એક સરકારી એમ.એડ કોલેજ પોરબંદરમાં આવેલી છે. જેથી કુલ 20 જેટલી સરકારી B. Ed.,M.Ed. કોલેજો હાલ અસ્તિત્વમાં છે. આ તમામ બી.એડ. કોલેજોને હવે રાજ્યની ટીચર્સ યુનિવર્સિટી સાથે જોડી દેવામાં આવશે. ટીચર્સ યુનિવર્સિટી અસ્તિત્વમાં આવ્યા બાદ અન્ય કોઇ બી.એડ. કોલેજોને જોડાણ આપી શકે તેમ નહોતી. જેના કારણે આજસુધી એકપણ બી.એડ. કોલેજને આ યુનિવર્સિટી સાથે જોડવામાં આવી નહોતી.
તાજેતરમાં ટીચર્સ યુનિવર્સિટીના નવા કુલપતિની નિયુક્તિ બાદ સરકારી બી.એડ. કોલેજોને આ યુનિવર્સિટી સાથે જોડવાની તાજવીજ હાથ ધરવામાં આવી હતી.મહત્વની વાત એ કે સરકાર દ્વારા પણ આ પ્રકારના જોડાણને પ્રાથમિક મંજુરી આપી દેવામાં આવી છે.