અમદાવાદ: કોરોના કાળમાં દેશમાં લાખો લોકોએ રોજગારી ગુમાવવી પડી છે. કોરોના મહામારીના કારણે લોકડાઉન થવાથી અર્થવ્યવસ્થાની સ્થિતિ ખરાબ છે. કોંગ્રેસે દાવો કર્યો કે, લોકડાઉનથી લઈને અત્યાર સુધીમાં દેશમાં 14 કરોડ લોકો બેરોજગાર બન્યા છે.
કોંગ્રેસે વર્તમાન સરકાર પર પ્રહાર કરતા કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે સત્તામાં આવ્યા, ત્યારે દર વર્ષે દેશમાં 2 કરોડ લોકોને રોજગારીનું વચન આપ્યું હતું. તેને વડાપ્રધાને પૂરું કર્યું નથી, પરંતુ દેશમાં નોટબંધી, જીએસટી અને પબ્લિક સેક્ટરનું ખાનગીકરણ કરીને દેશમાં બેરોજગારી વધારી છે.
આ આફતના સમયે સરકાર યુવાનોને દર મહિને 6 હજાર રૂપિયાનું બેકારી ભથ્થું ચૂકવે. વળી રોજગારી વધારવામાં સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાની અત્યારે જરૂર છે, તે મુદ્દે સરકાર યોગ્ય પગલા લેવાવા જોઈએ.
કોંગ્રેસની બેરોજગારી મુદ્દે સ્પીક અપ ઇન્ડિયા પહેલને બહોળો પ્રતિસાદ કોંગ્રેસ દ્વારા સોશિયલ મીડિયામાં બેરોજગારી મુદ્દે 'speak up india', 'Speak up for job' કરીને સોશિયલ મીડિયા કેમ્પેન ચલાવવામાં આવ્યું હતું. જેમાં અનેક લોકોએ પોતાના વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા. લાખો બેરોજગાર યુવાનોએ પોતાની વ્યથા ઠાલવી હતી અને કોંગ્રેસે આપેલા નંબર પર મિસકોલ કર્યો હતો.
ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ દેશમાં સર્જાયેલી પ્રચંડ બેરોજગારી માટે કેન્દ્ર સરકારની અણઆવડત ભરેલી અને બેજવાબદાર આર્થિક નીતિઓને સ્પષ્ટપણે વખોડી કાઢી હતી.