અમદાવાદ:અમદાવાદ શહેરના વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બોડકદેવમાં રહેતી એક યુવતીએ તેના જ પતિ સામે દુષ્કર્મ અને શારીરિક માનસિક ત્રાસ આપતો હોવાની ફરિયાદ નોંધાવી છે. જેમાં સેન્ટ્રલ આઈબીમાં ફરજ બજાવતી યુવતીએ પતિ અને સાસુ, જેઠ અને નણદોઈ સામે અનેક આક્ષેપ કર્યા છે. બોડકડેવમાં રહેતી નિશા (નામ બદલેલ છે) ની થોડા મહિનાઓ પહેલા જ સમાજના જ રાહુલ (નામ બદલેલ છે) સાથે સગાઈ થઈ હતી.
મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધ્યા:સગાઈના થોડા દિવસો પછી રાહુલે નિશાને મળવાનું અને ફોન પર વાત કરવાનું શરૂ કર્યું અને એક દિવસ રાહુલે નિશા સાથે શારીરિક સંબંધ બાંધવાની માંગ કરી હતી. જોકે નિશા એ લગ્ન પહેલા શારીરિક સંબંધ બાંધવાનો ઇનકાર કરતા રાહુલે તેની સાથે સગાઈ તોડી નાખવાની તેમજ ખોટી રીતે સમાજમાં બદનામ કરવાની ધમકી આપી નિશાની મરજી વિરુદ્ધ તેના બોડકદેવ ખાતેના ક્વાર્ટરસમાં અવારનવાર જઈને તેની સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા.
દહેજની માંગ: જે બાદ ડિસેમ્બર 2022 માં નિશા અને રાહુલના લગ્ન થયા હતા. નિશાનો પતિ રાહુલ મૂળ રાજસ્થાનનો રહેવાસી હોય અને અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં રહેતો હતો અને રેલવેમાં ક્લાસ વન અધિકારી તરીકે ફરજ બજાવે છે. લગ્નના થોડા દિવસો પછી રાહુલે નિશા સાથે નાની નાની બાબતોમાં ઝઘડો કર્યો હતો, તેમજ તેની પાસે બીભત્સ માંગણી કરી હતી. રાહુલ અવારનવાર દહેજની માંગણી કરી તેની સાથે મારઝૂડ કરતો હતો.
વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ:થોડા સમય પહેલા શિયાળાનો સમય હોવાથી નિશા અને રાહુલના રૂમમાં હીટર મૂકવામાં આવ્યો હતો. એક દિવસ રાહુલે સામાન્ય બાબતમાં નિશા સાથે બોલાચાલી અને ઝઘડો કરી રૂમમાં મુકેલા હીટર સાથે નિશાનો ડાબો હાથ બળજબરીથી અડાવી તેને નામ આપ્યો હતો અને ચાલુ રૂમ હીટર ઉપર મેક વોટર કરવા દબાણ કર્યું હતું. માત્ર રાહુલ જ નહીં પરંતુ નિશાની સાસુ તેમજ જેઠ અને નણદોઈ દ્વારા પણ અવારનવાર નાની-નાની બાબતોમાં હેરાનગતિ કરી શારીરિક માનસિક ત્રાસ આપવામાં આવતો હોય અંતે નિશાએ કંટાળીને વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ નોંધાવી છે.