અમદાવાદ:ભારતીય રેલ વિભાગ એક ભારત, શ્રેષ્ઠ ભારત યોજના અંતર્ગત ભારત ગૌરવ ડીલક્ષ એસી ટૂરિસ્ટ ટ્રેન દ્વારા ગરવી ગુજરાત યાત્રાની શરુઆત 28 ફેબ્રુઆરીથી દિલ્હીના સફદરગંજ સ્ટેશનથી શરુ કરવામાં આવી છે. આ “ગરવી ગુજરાત” ટ્રેનને માનનીય રેલ્વે પ્રધાન અશ્વિની વૈષ્ણવે 28 ફેબ્રુઆરી 2023 ના રોજ દિલ્હી સફદરજંગ સ્ટેશનથી લીલી ઝંડી બતાવી હતી.
"દેખો આપના દેશ" સૂત્રને આવરી લેવાયું:આ ટ્રેન ટૂર સરકારની "એક ભારત શ્રેષ્ઠ ભારત" યોજનાની તર્જ પર તૈયાર કરવામાં આવી છે. સ્થાનિક પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્ર સરકારની પહેલ હેઠળ શરૂ કરાયેલી આ ટ્રેનમાં "દેખો આપના દેશ" સૂત્રને આવરી લેવાયું છે. ગુજરાતના કલોલ ખાતે પહોંચેલી આ ટ્રેનની મુલાકાત લેવા પહોંચેલી ઇટીવી ભારતની ટીમે ટ્રેનમાં મુસાફરી કરી રહેલા પેસેન્જરોનું મંતવ્ય જાણવાની કોશિશ કરી હતી. ટ્રેનના મુસાફરોએ આ ટ્રેનની વિશેષતાઓ તેમજ સુવિદ્યાઓ અંગે કેન્દ્ર સરકારની આ યોજનાના ખુલ્લા મને વખાણ કર્યા હતા.
અનેક પર્યટક સ્થળોને આવરી લેવામાં આવ્યા:ગરવી ગુજરાત ટ્રેનમાં પ્રવાસ કરતાં મુસાફરો પાસેથી ટ્રેન વિશે જાણકારી મેળવવામાં આવતા તેઓએ જણાવ્યું હતું કે ટ્રેનમાં યાત્રા દરમ્યાન એક અનોખો અનુભવ થયો છે, ટ્રેનમાં લોક સંસ્કૃતિ અને આધ્યાત્મિકતાના પ્રોત્સાહન સાથે સાથે ગુજરાતના હેરિટેજ સ્થળો અને તીર્થસ્થાનોમાં દર્શન કરાવવા માટે સરકારે જે અભિગમ બતાવ્યો છે તે ખરેખર પ્રશંસનીય છે. ગરવી ગુજરાત ટૂર પેકેજમાં મુસાફરોમાં સ્ટેચ્યૂ ઓફ યૂનિટી, ચાંપાનેર, સોમનાથ, દ્વારકા, નાગેશ્વર, બેટ દ્વારકા, અમદાવાદ, મોઢેરા અને પાટણ જેવા સ્થળોની વિઝિટ કરવામાં આવશે. મુસાફરો ગુરુગ્રામ, રેવાડી, રિંગાસ, ફુલ્લેરા અને અજમેર રેલ્વે સ્ટેશનથી પણ આ ટ્રેન પકડી શકે છે.
156 પર્યટક એક સાથે મુસાફરી કરી શકશે: આ ઉપરાંત ટ્રેનમાં યાત્રીઓને આપવામાં આવતી સુવિદ્યાઓ પણ વિશેષ છે. ઇન્ડિયામાં ગૌરવ ડીલક્ષ એસી ટૂરિસ્ટ ટ્રેનમાં ચાર કોચ ફર્સ્ટ એસીના, બે કોચ સેકન્ડ એસીના રાખવામાં આવ્યા છે. ટ્રેનમાં શાનદાર પેન્ટ્રી કાર અને બે રેલ રેસ્ટોરેન્ટનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ટ્રેનમાં લગભગ 156 મુસાફરો એક સાથે પ્રવાસ કરી શકે છે. આ પ્રવાસમાં ગુજરાતના અક્ષરધામ મંદિર, સાબરમતી નદી, મોઢેરા સૂર્ય મંદિર, યૂનેસ્કોની વિરાસત સ્થળ પાટણમાં આવેલી રાણી કી વાવ,નાગેશ્વર જ્યોતિર્લિંગના દર્શન પણ કરાવવામાં આવશે.