પ્રવાસી શિક્ષક યોજના ચાલુ રહેશે ગાંધીનગર : મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનટ બેઠકમાં ગુજરાત સરકારે અનેક નિર્ણયો લીધા છે. સરકારના પ્રવક્તા પ્રધાન ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં જ્ઞાન સહાયક યોજનાનો જ્યાં સુધી અમલ ન થાય ત્યાં સુધી લાખો વિદ્યાર્થીઓના હિતમાં પ્રવાસી શિક્ષક યોજના ચાલુ રાખવાનો સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે.
સરકારી અને અનુદાનિત પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં મંજૂર શિક્ષકોની જગ્યાઓ નિયમિત શિક્ષકથી ભરાય નહીં ત્યાં સુધી વિદ્યાર્થીનું શિક્ષણ કાર્ય અટકી જાય નહીં. તે માટે તાસ દીઠ માનદવેતનથી શિક્ષણ કાર્ય કરવા પ્રવાસી શિક્ષક યોજનાને વધુમાં વધુ છ માસ અથવા જ્ઞાન સહાયક યોજના અંતર્ગત જ્ઞાન સહાયકોની નિમણૂકની પ્રક્રિયા પૂર્ણ થાય તે બેમાંથી જે વહેલું હોય ત્યાં સુધી ચાલુ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે...ઋષિકેશ પટેલ(પ્રવકતાપ્રધાન)
ઓનલાઇન આંતરિક બદલી કેમ્પ : પ્રવક્તાપ્રધાન ઋષિકેશભાઇ પટેલે સરકારી પ્રાથમિક શાળાના શિક્ષકોની બદલીઓની વિગતો આપતાં વધુમાં કહ્યું હતું કે, રાજય સરકાર દ્વારા સરકારી પ્રાથમિક શાળામાં ફરજ બજાવતાં શિક્ષકો માટે જિલ્લા ઓનલાઇન આંતરિક બદલી કેમ્પ (તાલુકા ફેર)નું આયોજન બે તબકકામાં કરવામાં આવ્યું હતું.
જિલ્લા ફેર બદલીનું આયોજન : ઓનલાઇન આંતરિક બદલી કેમ્પમાં કુલ 17,174 શિક્ષકોએ પસંદગી મુજબના સ્થળ પર સંપૂર્ણ પારદર્શક પદ્ધતિથી બદલીનો લાભ લીધો છે. આ ઉપરાંત સરકારી પ્રાથમિક શાળામાં ફરજ બજાવતાં શિક્ષકો માટે જિલ્લા ફેર બદલીનું આયોજન આગામી તારીખ 26થી 28 જુલાઈ 2023 સુધી ત્રણ દિવસ દરમિયાન કરવામાં આવ્યું છે. જેમાં અંદાજિત 12,000 કે તેથી વધુ શિક્ષકોને પોતાના વતનના જિલ્લામાં જિલ્લાફેર બદલીનો લાભ મેળવશે.
17,174 શિક્ષકોએ બદલીનો લાભ લીધો : ઉલ્લેખનીય છે કે જિલ્લા ઓનલાઈન આંતરિક બદલી કેમ્પમાં બે તબક્કામાં કેટેગરીવાર જે શિક્ષકોએ બદલીનો લાભ લીધો છે તેમાં ગંગા સ્વરૂપા- વિધુર કેટેગરીમાં 344, દિવ્યાંગ કેટેગરી 174, પ્રાથમિક શિક્ષક દંપતી 1380, સરકારી દંપતી 320, અનુદાનિત દંપતિ 139, વાલ્મિકી અગ્રતા 83, સિનિયોરીટી કેટેગરીમાં સૌથી વધુ 14,258 તેમજ મૂળ શાળા પરતનો લાભ 476 એમ કુલ 17,174 શિક્ષકોએ બદલીનો લાભ લીધો છે.
- Vadodara News : વડોદરા આચાર્ય સંઘ નવ મુદ્દાઓને લઈ કલેકટર કચેરીએ પહોચ્યું, શિક્ષકોની ભરતીને લઈને કરી રજૂઆત
- Gandhinagar News : ગાંધીનગરમાં જ્ઞાન સહાયક ભરતીનો વિરોધ કરતાં ઉમેદવારોને એસપી કચેરી બેસાડી દીધાં, વ્યથા અને આક્રોશનો જુવાળ
- Gandhinagar News : અમરેલીની શાંતાબા હોસ્પિટલને 5 કરોડ રુપિયાનો દંડ, મોતીયા સર્જરીમાં બેદરકારીની સજા