અમદાવાદ : ભારતીય જનતા પાર્ટી દ્વારા ગાંધીનગરના કમલમ ખાતે પ્રદેશ કારોબારીની બેઠક યોજવા જઈ રહી છે. ભાજપ દ્વારા યોજાઈ રહેલી આ કારોબારી બેઠકમાં સરકારના 9 વર્ષોના કાર્યકાળ દરમિયાન અમલમાં આવેલી નીતિઓ અને તેના અમલ વિશે ચર્ચા કરવામાં આવનાર છે. જે અંતર્ગત સમગ્ર ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ કાર્યક્રમો યોજવામાં આવનાર છે. જેને અનુલક્ષીને ભાજપના મહામંત્રી પ્રદીપ વાઘેલાએ પ્રેસ કોન્ફરન્સ દ્વારા સંપૂર્ણ માહિતી આપી હતી.
ભાજપ દ્વારા આજે પ્રદેશ કાર્યાલય ખાતે વિશેષ જનસંપર્ક અભિયાન અંતર્ગત કારોબારી બેઠક મળનારી છે. જે અંતર્ગત સમગ્ર ગુજરાતમાં અલગ અલગ કાર્યક્રમ કરવામાં આવનાર છે. 30મી મેં એટલે કે 9 વર્ષ પહેલાં ભારતના વડાપ્રધાનને લોકોનો પ્રેમ મળ્યો હતો. 2014 પહેલા દેશમાં UPA સરકારનું શાસન હતું, જે સમય દરમ્યાન ભારત અનેક સમસ્યાઓથી ઘેરાયેલું હતું. ભારતીય જનતા પાર્ટીએ 9 વર્ષ પહેલાં દેશનું સુકાન સંભાળ્યું હતું. ભાજપ સરકારે ગુજરાતની ધરતીના માધ્યમથી સમગ્ર દેશમાં વિકાસની રાજનીતિ શરૂ કરી અને આજે દેશ વિકાસના પંથે આગળ વધી રહ્યો છે. 9 વર્ષ દરમિયાન દેશના હિતમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા લેવામાં આવેલા જન સંકલ્પ પૂર્ણ કરવામાં આવ્યા છે. પ્રદીપ વાઘેલા (ભાજપના મહામંત્રી)
ભાજપના કાર્યક્રમ : ભાજપ સરકારે જમ્મુ કાશ્મીરમાં 370 કલમ હટાવી, મજબૂત વિદેશ નિતીની વાત હોય, ભારતના યુવાનોને સારું શિક્ષણ આપવાની વાત હોય, ભારતની મહિલાઓને સુરક્ષિત કરવાની વાત હોય, ગામે ગામે વીજળી પહોંચાડવાની વાત હોય કે પછી દેશના વિકાસ માટેની અન્ય કોઈ વાત હોય, ભાજપે તમામ સંકલ્પ પૂર્ણ કર્યા છે. આજે ભાજપના સાશનને 9 વર્ષ પુરા થાય છે, ત્યારે 30મી મેથી ભારતીય જનતા પાર્ટી મહાસંપર્ક અભિયાન શરૂ કરશે. ત્યારબાદ આજે કર્ણાવતી ટાગોર હોલ ખાતે પ્રદેશ કારોબારી યોજવામાં આવશે. જે બાદ "9 સાલ બેમિસાલ"ના સૂત્ર સાથે જનસંપર્ક અભિયાન હાથ ધરવામાં આવશે.
વ્યક્તિગત મુલાકાત : આ કાર્યક્રમમાં ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી અને મુખ્યપ્રધાન સાથે સી.આર. પાટીલ અને લોકસભાના સાંસદો કારોબારીમાં હાજર રહેશે. ભાજપ દ્વારા દરેક જિલ્લાની અંદર અલગ અલગ કાર્યક્રમ યોજવામાં આવશે. જે દરમિયાન સરકાર થકી એક વાર ફરીથી જે વિકાસના કામો થયા છે. જેની સ્થાનિક લોકોને સંપૂર્ણ માહિતી પૂરી પાડવામાં આવશે. આ કાર્યક્રમો થકી ગુજરાતના તમામ નાગરિકોને વ્યક્તિગત મુલાકાત કરીને સરકારે 9 વર્ષમાં કરેલા કાર્યો બાબતે રૂબરૂ વાત કરાશે. જેમાં સમગ્ર રાજ્ય અને દેશની અંદર ભાજપના કાર્યકર્તાઓ થકી જનસંપર્ક કામ હાથ ધરવામાં આવનાર છે. ઉપરાંત દેશભરમાં 51 મોટી જનસભાઓ યોજવામાં આવશે. જેનું આયોજન કેન્દ્રીય પાર્ટી દ્વારા કરવામાં આવશે.