- 31 જાન્યુઆરીથી કોરોના વેક્સિનેશનનો ફેઝ 2 શરૂ થશે
- ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સને આપવામાં આવશે કોરોના વેક્સિન
- રાજ્યના પોલીસ વડા ગાંધીનગર સિવિલ ખાતે લેશે કોરોના વેક્સિન
ગાંધીનગર : 16 જાન્યુઆરીથી સમગ્ર દેશમાં કોરોના માટેની રસીકરણ શરૂ કરવામાં આવ્યું છે. પ્રથમ તબક્કામાં મેડીકલ અને પેરામેડીકલ સ્ટાફને રસીકરણ કરાયા બાદ હવે બીજા તબક્કા તરફ ગુજરાત આગળ વધી રહ્યું છે. સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે 31 જાન્યુઆરીથી ગુજરાતમાં વેક્સિનેશનનું બીજું ચરણ શરૂ થશે. જેમાં તમામ જિલ્લાના કલેક્ટર્સ, પોલીસ કમિશનર, SP કક્ષાના અધિકારીઓ કોરોના વેક્સિન લેશે.
ગુજરાતમાં 1.30 લાખ પોલીસ કર્મીઓ
ફ્રન્ટલાઇન કોરોના વોરિયર્સમાં પોલીસનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ગુજરાતમાં પોલીસ, હોમગાર્ડ જવાન સહિતના તમામ કર્મચારીઓની ગણતરી થાય છે. જેમાં કુલ 1.30 લાખ કર્મચારીઓને કોરોના વેક્સિન આપવામાં આવશે. સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે ગુજરાત રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયા રવિવારે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે કોરોના વેક્સિન લેશે.