અમદાવાદઃ જિલ્લાના વાસણા પોલીસ સ્ટેશનમાં સની પટેલ દ્વારા દાખલ કરાયેલી FIRમાં પૂર્વ ધારાસભ્ય પર ગેરકાયદે રીતે 1.55 કરોડ રૂપિયાની સંપત્તિ અને જમીન વેચવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. પૂર્વ ધારાસભ્ય પર આક્ષેપ છે કે તેઓ વાસણા ખાતે આવેલા મંજુશ્રી એસોસિએશનના સભ્ય હોવા છતાં તેમણે અને એસોસિએશનના સેક્રેટરી રૂપલ ભટ્ટે ગેરકાયદેસર રિટેન એસોસીએશનની 1.55 કરોડ રૂપિયાની સંપત્તિનો ફરિયાદી સની પટેલ સાથે સોદો કર્યો હતો.
ગેરકાયદે જમીન વેચવાના કેસમાં ધરપકડ ટાળવા માટે પૂર્વ MLAએ હાઇકોર્ટમાં અરજી કરી
ગેરકાયદે રીતે જમીન અને સંપત્તિ વેચવા બાબતે અમદાવાદના વાસણા પોલીસ સ્ટેશનમાં ગોધરાના પૂર્વ ધારાસભ્ય હરેશ ભટ્ટ સામે ફરિયાદ નોંધાઈ છે. દાખલ થયેલી પોલીસ ફરિયાદથી ધરપકડ ટાળવા માટે તેમણે ગુજરાત હાઇકોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરી છે. સેશન્સ કોર્ટે અરજી ફગાવી દેતા હાઈકોર્ટમાં અરજી દાખલ કરાઈ છે.
બંને આરોપીઓ દ્વારા ખોટા ઠરાવ અને ક્રિમિનલ ષડયંત્ર રચી સંપત્તિ જપ્ત કરવાનો આક્ષેપ લગાડવામાં આવ્યો છે. હરેશ ભટ્ટ સામે IPCની કલમ 406, 420, 467, 468, 471 અને 120 બી મુજબ ગુનો દાખલ કરાયો છે. આ કેસમાં ધરપકડ ટાળવા માટે તેમણે અમદાવાદ સિટી સિવિલ અને સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી. જોકે કોર્ટે ફગાવી દેતાં હવે તેમણે હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, ગોધરાકાંડ રમખાણ દરમિયાન ધારાસભ્ય રહી ચૂકેલા હરેશ ભટ્ટ કોમી હિંસામાં ઉશ્કેરણી કરવાનો આક્ષેપ લગાડવામાં આવ્યો હતો. ભટ્ટ બજરંગ દળ સાથે પણ સંકળાયેલા રહ્યા હતા.