અમદાવાદ :ગુજરાતના પૂર્વ રાજ્યપાલ ઓ.પી. કોહલીનું નિધન થયું છે. ઓ.પી. કોહલીના પ્રપૌત્રીએ ટ્વિટ કરીને ગુજરાતના પૂર્વ રાજ્યપાલના નિધન અંગે માહિતી આપી હતી. ગૃહરાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ પણ આ અંગે ટ્વિટ કરીને દુખ વ્યક્ત કર્યું હતું. ઓમપ્રકાશ કોહલીએ ગુજરાતના રાજયપાલ તરીકેની જવાબદારી નિભાવી ચૂક્યા હતા.
મુખ્યપ્રધાન, નેતાઓ સહિત લોકો આપી શ્રદ્ધાંજલિ :ગુજરાતના પૂર્વ રાજ્યપાલ અને ભાજપના વરિષ્ઠ નેતા ઓમપ્રકાશ કોહલીનું આજે ગોવામાં તેમના નિવાસસ્થાને નિધન થયું છે. મુખ્યપ્રધાન, નેતાઓ સહિત લોકો સોશિયલ મીડિયા દ્વારા ઓમપ્રકાશ કોહલીને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. તેમણે ગુજરાતની સાથે મધ્યપ્રદેશના રાજ્યપાલના કાર્યાલયનો વધારાનો હવાલો સંભાળ્યો હતો. તેમની ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી, જામનગરના કુલપતિ તરીકે પણ નિમણૂક કરવામાં આવી હતી.16 જુલાઈ 2014ના રોજ, ઓમ પ્રકાશ કોહલીની ગુજરાતના રાજ્યપાલ તરીકે નિમણૂક કરવામાં આવી હતી.
ઓમ પ્રકાશ કોહલીએ વિવિધ પુસ્તકોની લાયબ્રેરી પણ બનાવી હતી :ઓમ પ્રકાશ કોહલીનો જન્મ 9 ઓગસ્ટ 1935ના રોજ થયો હતો. તેમને વાંચનનો ખૂબ જ શોખ હતો. જ્યારે તેઓ ગુજરાત રાજ્યના રાજ્યપાલ હતા ત્યારે તેમણે વિવિધ પુસ્તકોની લાયબ્રેરી પણ બનાવી હતી. તેણે નવી દિલ્હીની રામજસ સ્કૂલ અને ખાલસા સ્કૂલમાંથી શાળાનો અભ્યાસ પૂર્ણ કર્યો. ઓમ પ્રકાશ કોહલીએ દિલ્હી યુનિવર્સિટીમાંથી હિન્દીમાં માસ્ટર ઓફ આર્ટસનો અભ્યાસ કર્યો છે. તેમણે 37 વર્ષ સુધી હંસરાજ કોલેજ અને દેશબંધુ કોલેજમાં લેક્ચરર તરીકે પણ કામ કર્યું.
ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીના સદસ્ય હતા : જાન્યુઆરી 1991માં પ્રો. ઓમપ્રકાશ કોહલીએ રાજકીય ક્ષેત્રે પ્રવેશ કર્યો અને દિલ્હી ભાજપના અધ્યક્ષ તરીકેની જવાબદારી સંભાળી. તેઓ ત્રણ વખત દિલ્હીના અધ્યક્ષ બન્યા, રાજ્યસભામાં દિલ્હીનું પ્રતિનિધિત્વ કર્યું. ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીના સદસ્ય હોવા છતાં, જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ચંદીગઢ, પંજાબ અને હરિયાણા રાજ્યોના સંગઠનાત્મક પ્રભાર સંભાળ્યા. 2014 થી 2019 સુધીનો ગુજરાતના રાજ્યપાલ તરીકેનો તેમનો કાર્યકાળ ગૌરવપૂર્ણ રહ્યો હતો.