- કેશુભાઈ 1945માં RSSમાં જોડાયા
- 1960માં જનસંઘના કાર્યકર બન્યા
- 1995માં ગુજરાતના 10માં મુખ્યપ્રધાન બન્યા
અમદાવાદ : કેશુભાઈ પટેલનો જન્મ 24 જુલાઈ, 1928માં જૂનાગઢના વિસાવદરમાં થયો હતો. તેઓ 1945માં 17 વર્ષની વયે પ્રચારક તરીકે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ(RSS)માં જોડાયા હતા. 1960માં તેઓ જનસંઘમાં કાર્યકર તરીકે જોડાઈને રાજકીય કારર્કિદીનો પ્રારંભ કર્યો હતો. તેમણે કટોકટી વખતે જેલવાસ પણ ભોગવ્યો હતો. 1978થી 1995ના સમયગાળામાં કેશુભાઈ કાલાવડ, ગોંડલ અને વિસાવદરની બેઠક પરથી વિધાનસભાની ચૂંટણી જીત્યા હતા. ત્યાર પછી 1980માં જનસંઘનું વિલિનીકરણ થયું હતું. ભારતીય જનતા પાર્ટીના વિચારોથી પ્રેરાઈને તેઓ ભાજપમાં જોડાયા હતા. 1995માં વિધાનસભા ચૂંટણી જીતીને ભાજપને જોરદાર જીત અપાવી હતી.
વર્ષ 1995માં મુખ્યપ્રધાન બન્યા પછી 8 મહિનામાં રાજીનામુ આપવું પડયું
કેશુભાઈ માર્ચ 1995માં ગુજરાતના 10માં મુખ્યપ્રધાન બન્યા હતા. પણ તે વખતના સાથી પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાધેલાએ બળવો કરતાં કેશુભાઈ પટેલને 8 મહિનામાં જ રાજીનામુ આપી દેવું પડ્યું હતું. અને તે પછી 1998માં ફરીથી ગુજરાતમાં ભાજપની સરકાર રચાઈ અને તેઓ ફરી મુખ્યપ્રધાન બન્યા હતા.
કેશુભાઈ અનાજ દળવાની ઘંટી ચલાવવાથી માંડીને મુખ્યપ્રધાન પદે પહોંચવા સુધી ખૂબ સંઘર્ષ કર્યો હતો. તેમના જીવનમાં પહેલા પત્ની ગુમાવી અને ત્યાર બાદ ત્રણ વર્ષમાં બે દીકરા ગુમાવ્યા હતા.
કેશુભાઈ પટેલ મુખ્યપ્રધાન પદની બે ટર્મ પુરી કરી શકયા ન હતા
કેશુભાઈ પટેલ 1995માં અને વર્ષ 1998થી 2001 સુધી એમ બે વખત ગુજરાતના મુખ્યપ્રધાન પદે રહી ચુક્યા છે. આ ઉપરાંત કેશુભાઈ પટેલ 6 વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. એક વખત લોકસભા અને એક વખત રાજ્યસભામાં ચૂંટાઈ આવ્યા હતા. તેઓ સોમનાથ ટ્રસ્ટના ચેરમેન તરીકે ફરજ બજાવે છે. કેશુભાઈ પટેલ 1995 અને 1998માં મુખ્યપ્રધાન રહ્યા, પણ તેઓ બન્ને વખત ટર્મ પુરી કરી શક્યા ન હતા. 2001માં મુખ્યપ્રધાન પદેથી રાજીનામું આપ્યું અને તે પછી નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યપ્રધાન બન્યા હતા. ત્યાર પછી 2002ની ચૂંટણીમાં કેશુભાઈએ ઉમેદવારી કરી ન હતી. 2002માં તેઓ રાજ્યસભાના સભ્ય તરીકે બિનહરીફ ચૂંટાયા હતા.
કેશુભાઈની ગોકળિયુ ગામ યોજના લોકપ્રિય બની
કેશુભાઈ મુખ્યપ્રધાન રહ્યા ત્યારે તેમના કાર્યકાળમાં ગોકળિયું ગામ યોજના જાહેર કરી હતી. જેમાં ગામડાઓમાં પણ શહેર જેવી સુવિધાઓ ઉભી કરવાનો તેમનો ઉદેશ્ય હતો. ગોકળિયુ ગામ યોજનાના ખૂબ વખાણ થયા હતા, તેને ગ્રામ્ય વિસ્તારોએ આવકારી હતી. ત્યારથી કેશુભાઈ ગ્રામ્ય લેવલે વધુ લોકપ્રિય બન્યા હતા.
કૃષિ પ્રધાન તરીકે સેવા આપી
વર્ષ 1977માં કેશુબાપા રાજકોટ લોકસભા બેઠક પરથી ચૂંટાયા હતા. ત્યારબાદ તેમણે રાજીનામું આપી બાબુભાઈ પટેલની જનતા મોર્ચા સરકરામાં 1978થી 1980 સુધી કૃષિ પ્રધાન તરીકે સેવા આપી હતી. PM મોદીએ વડાપ્રધાન બન્યા બાદ કેશુબાપાને ભાજપનો રથ હાંકનારા સારથી કહ્યા હતા.
2012માં ગુજરાત પરિવર્તન પાર્ટી નામે નવો રાજકીય પક્ષ સ્થાપ્યો
2012માં ભારતીય જનતા પાર્ટી સાથે મનદુઃખ થતાં તેમણે ભાજપ છોડ્યું હતું અને ઓગસ્ટ, 2012માં કેશુભાઈએ ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ગુજરાત પરિવર્તન પાર્ટી(જીપીપી) નામે નવો રાજકીય પક્ષ રચ્યો હતો. તેમાં તેમને ઝાઝી સફળતા ન મળી.જાન્યુઆરી-2014માં તેમણે જીપીપીના પ્રમુખપદેથી રાજીનામું આપી દીધું હતું. બાદમાં જીપીપીનું ભાજપમાં વિલિનીકરણ કરી દેવામાં આવ્યું અને 2014માં કેશુભાઈની નાદુરસ્ત તબિયતને કારણે ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું હતું.
કેશુબાપાએ જેલવાસ ભોગવ્યો વડાપ્રધાન મોદી કેશુભાઈ પટેલને મુરબ્બી અને બાપા તરીકે સમ્માન આપતા
પૂર્વ મુખ્યપ્રધાન કેશુબાપા અને વડાપ્રધાન મોદીએ વર્ષો સુધી સાથે કામગીરી કરી છે. આ કામગીરી દરમિયાન વડાપ્રધાન મોદી કેશુબાપાને મુરબ્બી અને બાપા તરીકે સમ્માન આપતા હતા.