24 કલાકમાં મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી
અમદાવાદઃ ગુજરાતમાં સતત વરસાદ વરસી રહ્યો છે, ત્યારે હજુ આગામી બે દિવસ સુધી રાજ્યના મધ્ય અને દક્ષિણ ભાગમાં હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને નવસારી, વલસાડ, છોટાઉદેપુર, આણંદ, પંચમહાલ, દાહોદ, દીવ-દમણમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. આ સિવાય ગીર સોમનાથ, જૂનાગઢ, ભાવનગર, મોરબી, રાજકોટ, સુરેન્દ્રનગર, ભરૂચ, સુરત, બોટાદ સહિતના જિલ્લામાં આગામી 24 કલાકમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે.
દક્ષિણ ગુજરાતમાં સતત ચાર દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે આગામી દિવસોમાં પણ ત્યાં ભારે વરસાદ વરસી શકે છે અને ત્રીજા દિવસે વરસાદનું જોર ઘટે તેવી પણ શક્યતા છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 65 ટકા જેટલો વરસાદ વરસ્યો છે. આ વખતે વરસાદ મોડો છે હજી પણ રાજ્યમાં 15 ટકા વરસાદની ઘટ છે, ત્યારે સૌરાષ્ટ્રમાં સૌથી વધુ 26 ટકા વરસાદની ઘટ નોંધાઈ છે. ગુજરાતમાં વરસાદે માજા મુકી છે ત્યારે હજુ આગામી બે દિવસ સુધી રાજ્યના મધ્ય અને દક્ષિણ ભાગમાં હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
અત્યાર સુધી રાજ્યમાં સારો વરસાદ વરસ્યો છે અને છેલ્લા ઘણા દિવસથી ધોધમાર વરસાદને કારણે બરોડા, સુરત, નવસારી, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિત કચ્છમાં ભારે વરસાદ નોંધાયો છે. હવે આગામી દિવસોમાં પણ સારો વરસાદ પડવાની શક્યતા છે અને 24 કલાકમાં દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસવાની આગાહી હવામાન વિભાગે કરી છે.