અમદાવાદ:9 એપ્રિલે જુનિયર કલાર્કની પરીક્ષા યોજાશે. તે પહેલા પસંદગી સેવા મંડળે વિવિધ વિભાગો સાથે બેઠક કરી હતી. પેપર ન ફૂટે અને પરીક્ષા કેન્દ્રો અને પરીક્ષાર્થીઓ કેટલાક નિયમો અને પ્રતિબંધોનો ચુસ્તપણે અમલ કરે તે માટે જાહેરનામું બહાર પડાયું છે અને ફુલપ્રુફ સિસ્ટમ ગોઠવવામાં આવી છે.
પેપર ફૂટતાં સરકારની ટીકા: 29 જાન્યુઆરીએ ગુજરાતમાં જુનિયર કલાર્કની પરીક્ષાના ગણતરીના કલાક પહેલા જ પેપર ફૂટી ગયું હતું. ત્યારે સરકારે તુરંત પરીક્ષાને રદ કરવી પડી હતી. જે દરમિયાન ગુજરાતના તંત્રની ખૂબ ટીકા થઈ હતી. અગાઉ 13 જેટલા પેપર ફૂટ્યા તેની તપાસમાં શું પરિણામ આવ્યું અને પકડાયેલાને કેટલી સજા થઈ તેવા અનેક પશ્નો વિપક્ષે ઉઠાવ્યા હતા. આખરે સરકાર સફાળી જાગીને કડક કાયદો ઘડી નાંખ્યો હતો.
તમામ તૈયારીઓ પૂર્ણ: GPSSBના ચેરમેન હસમુખ પટેલે માહિતી આપી હતી કે જુનિયર કલાર્કની પરીક્ષાના કોલ લેટર બહાર પડી ગયા છે. પરીક્ષા 9 એપ્રિલને રવિવારે બપોરે 12.30થી 1.30 કલાકે લેવાશે. 3000 કેન્દ્રો પર પરીક્ષા લેવાશે. એસઓપી તૈયાર કરી દેવાઈ છે. જિલ્લા વિકાસ અધિકારીએ ત્રણ વીડિયો કોન્ફરન્સ કરી છે. અને મુખ્ય સચિવ પણ વીડિયો કોન્ફરન્સ કરશે. જિલ્લા લેવલે અને સંચાલક કેન્દ્રોને તાલીમ આપવામાં આવી છે. પોલીસ અધિકારીઓ સાથે બેઠક કરી છે, રીક્ષા એસોસિએશન સાથે બેઠક કરી છે, તેમજ એસટી વિભાગ સાથે બેઠક કરી છે. તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ છે.
આ પણ વાંચો:Paper Leak : જુનિયર કલાર્કની પરીક્ષામાં પેપર લીક મામલે 30 વિદ્યાર્થીઓની ધરપકડ, 12થી 15 લાખમાં કર્યો હતો સોદો
પેપર લીક કરનાર સામે કયા ગુના: ગુજરાત વિધાનસભામાં 23 ફેબ્રુઆરી, 2023ના રોજ ધી ગુજરાત પબ્લિક એક્ઝામિનેશન બિલ 2023 રજૂ થયું હતું. સર્વસંમતિથી આ બિલ પસાર કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્યની જાહેર પરીક્ષામાં પેપર ન ફૂટે અને કોઈપણ પ્રકારની ગેરરીતિ ન થાય તે માટે થઈને સરકાર દ્વારા કાયદાને વધુ કડક કરાયો છે. પેપર લીકના કિસ્સામાં જો પેપર લીક કરનાર પકડાશે તો તેને 10 વર્ષની જેલની સજા અને 1 કરોડના દંડની કડક જોગવાઈ કરાઈ છે. જો કોઈપણ વિદ્યાર્થી દોષિત ઠરે તો તેવા પરીક્ષાર્થીઓને આવનારા બે વર્ષ સુધી કોઈપણ જાહેર પરીક્ષામાંથી બાકાત રાખવાની જોગવાઈ કરવામાં આવી છે. ઉપરાંત આરોપીને મિલકતની જપ્તી અને ટાંચમાં લેવામાં આવશે. આ ગુનો બિનજામીનપાત્ર પાત્ર ગણાશે.
આ પણ વાંચો:Junior Clerk Exam 2023: જુનિયર કલાર્કની પરીક્ષામાં વિદ્યાર્થીઓની મદદે આવશે આમ આદમી પાર્ટી
પેપરલીકની 13 ઘટનાઓ:ગુજરાતમાં 2014થી અત્યાર સુધીમાં 13 પેપર લીકની ઘટના બની છે. 2014માં જીપીએસસી ચીફ ઓફિસરનું પેપર લીક થયું હતું. 2015માં તલાટીનું પેપર, 2016માં જિલ્લા પંચાયત દ્વારા લેવાયેલી તલાટીની પરીક્ષાનું પેપર ગાંધીનગર, મોડાસા અને સુરેન્દ્રનગર જિલ્લામાં ફૂટયું હતું. 2018માં ટેટ શિક્ષકની પરીક્ષાનું પેપર, 2018માં મુખ્ય સેવિકા પેપર, 2018માં નાયબ ચિટનિસ પેપર, 2018માં એલઆરડી લોકરક્ષક દળની ભરતી પરીક્ષાનું પેપર, 2019માં બિનસચિવાલય કારકુન ભરતી પરીક્ષા, 2021માં હેડ કલાર્કની ભરતી પરીક્ષાનું પેપર, 2021માં ડીજીવીસીએલ વિદ્યુત સહાયક ભરતી પરીક્ષા પેપર, 2021માં સબ ઓડિટર, 2022માં વનરક્ષક અને 2023માં જુનિયર કલાર્કની ભરતી પરીક્ષાનું પેપર લીક થયા હતા.