અમદાવાદ : અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં ફરી એક વખત ગુનેગારો બેફામ બન્યા હોય અને પોલીસનો કે કાયદાનો ડર ન હોય તે પ્રકારની ઘટના સામે આવી છે. રખિયાલ વિસ્તારમાં આવેલી કાશીબાઈની ચાલીના ગેટ ઉપર મોડી રાત્રે એક આધેડ પર ફાયરિંગ કરીને હત્યાનો પ્રયાસ કરાયો હોવાની ઘટના સામે આવી છે. જે મામલે રખિયાલ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે.
શું બન્યું હતું :ગોમતીપુરમાં આવેલી કાશીબાઈની ચાલીમાં રહેતા નાસીર હુસેન શેખ પર ફાયરિંગ કરીને હત્યાનો પ્રયાસ કરાયો હોવાની ઘટના બની છે. જેમાં 22મી જાન્યુઆરી 2023 ના રોજ તેઓ પોતાના મિત્રની દીકરીની સગાઈનો પ્રસંગ હોય તેની તૈયારી માટે મોડે રાત સુધી ત્યાં હાજર હતા. નાસિર હુસેન રાત્રે અઢી વાગે આસપાસ ચાલીમાં રહેતા મિત્રો સાથે ચાલીના નાકે ફૂટપાથ ઉપર તાપણી કરી રહ્યા હતા. તે સમયે અકબરનગરના છાપરામાં રહેતો ફઝલ અહેમદ શેખ અને તેનો ભાઈ અલ્તાફ તથા તેના ચાર મિત્રો એમ કુલ 6 જણા એક કાર લઈને ત્યાં આવ્યા હતા. ફઝલ અહેમદે ફરિયાદી પાસે જઈને ઈકબાલ બાટલી ક્યાં છે તેવું કહેતા ફરિયાદીએ પોતાને ખબર ન હોવાનું જણાવતા ફઝલ અહેમદે તેની પર ઉશ્કેરાઈને તેને માર માર્યો હતો અને તમામ આરોપીઓએ ભેગા મળીને ફરિયાદીને ગડદા પાટુનો માર મારવાનો શરૂ કર્યો હતો.
આ પણ વાંચો Ahmedabad Crime : જમાલપુરમાં ધોળે દિવસે આંગડિયા કર્મી પાસેથી લૂંટાયા 26 લાખ, આરોપી ફાયરિંગ કરી ફરાર
બે રાઉન્ડ હવામાં ફાયરિંગ : નાસીર હુસેને બુમાબુમ કરતા ફઝલે ફોરવ્હીલ ગાડીમાંથી એક પિસ્ટલ લઈને બે રાઉન્ડ હવામાં ફાયરિંગ કર્યું હતું, જેથી ફરિયાદી અને તેના મિત્રો ડરીને દોડીને ચાલીની અંદર ભાગી રહ્યા હતા તે સમયે ફઝલે એક રાઉન્ડ ફાયરિંગ ફરિયાદીની પાછળ કર્યું હતું. જોકે ફરિયાદી અંદર ફરાર થઈ ગયા હતા.