તબલીઘી જમાતના લોકોને 'કોરોના ટેરેરિસ્ટ' ગણાતાં FIR દાખલ કરાઈ - કોમી વૈમનસ્ય
કોરોના મહામારીએ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે ત્યારે ભારતમાં પણ તેનો આંકડો ચિંતાજનક રીતે વધી રહ્યો છે. જોકે કેટલાક અસામાજિક તત્વોએ તેને કોમી રંગ આપતાં દિલ્હી મરકઝમાંથી પરત ફરેલાં તબલીગી જમાતના લોકોને કોરોના ટેરેરિસ્ટ (આતંકી) ગણાવતાં રાજૂલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
અમદાવાદઃ કોરોના વાયરસને લઈને કેટલાક અસામાજિક તત્વો દ્વારા દેશમાં વેરઝેર, નફરત અને બે સમુદાય વચ્ચે ભેદરેખા ઉભી કરવા માટે સોશિયલ મીડિયાના માધ્યમથી નફરત ફેલાવવા માટે કેટલીક વિવાદાસ્પદ પોસ્ટ કરવામાં આવે છે. રાજૂલા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલી ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે તબલીગી જમાતના ટેરેરિસ્ટ જે આખા દેશમાં પોલીસથી નાસતાં ફરે છે તે ભાવનગર જિલ્લામાં પણ છે. કેટલાક અસામાજિક તત્વો દ્વારા કોમી વેરઝેર ફેલાય તેવું વિવાદાસ્પદ પોસ્ટ વોટ્સએપ થકી વાઇરલ કરતા રાજૂલા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. નોંધનીય છે કે દિલ્હીના નિઝામુદ્દીન મરકઝથી તબલીગી જમાતના પરત ફર્યા બાદ સોશિયલ મીડિયા પર કોમી ઝેર ફેલાવનાર લોકો 368 લોકો વિરુદ્ધ રાજ્યમાં FIR દાખલ કરવામાં આવી છે.
પોલીસે શુક્રવારે સોશિયલ મીડિયા પર ફેક અને નફરત ફેલાવનાર અમદાવાદના આરીફ શેખ અને ગંગારામ ગોસ્વામીની પણ ધરપકડ કરી હતી. જમીયત એ ઉલમા હિન્દ દિલ્હી નિઝામુદ્દીન મરકઝ ઘટના બાદ જેમણે બેફામ વાણીવિલાસ કરી તબલીગી જમાતના લોકો માટે કોરોના બૉમ્બ, કોરોના આતંકી જેવા શબ્દોનો ઉપયોગ કરતા સુપ્રીમ કોર્ટમાં જાહેરહિતની અરજી દાખલ કરી હતી.
આ સમગ્ર કેસની વિગત એવી છે કે રાજુલાના વતની રમઝાન કુરેશીને વોટ્સએપ મારફતે તેમના મિત્રે વિવાદાસ્પદ પોસ્ટ મોકલી હતી અને તેમાં તબલીગી જમાત માટે વિવાદાસ્પદ શબ્દનો ઉપયોગ કરતા 2જી એપ્રિલના રોજ રાજૂલા પોલીસ સ્ટેશનમાં અજ્ઞાત લોકો સામે ફરિયાદ દાખલ કરી હતી.