અમદાવાદ: વર્ષ 2015 ના બનાસકાંઠા જિલ્લામાં ખૂબ જ ભારે વરસાદના પગલે ખેડૂતોની જમીનને ભારે નુકસાન પહોંચ્યું હતું. ત્યારબાદ નુકસાનની ભરપાઈ માટે સરકાર દ્વારા ખેડૂતોને પૈસાની ચુકવણી કરવામાં આવી હતી. જોકે આ પૈસાની ચુકવણીમાં સરપંચે ભેદભાવ કર્યા હોવાના આક્ષેપ સાથે હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી છે.
શું છે સમગ્ર કેસ: સમગ્ર કેસની વિગતો જોઈએ તો વર્ષ 2015 ના ચોમાસા દરમિયાન બનાસકાંઠા જિલ્લામાં ખૂબ જ ભારે વરસાદ થયો હતો. જેમાં ભારે વરસાદના પગલે જમીનનું ધોવાણ થઈ ગયું હતું. આ વરસાદ બાદ સરકારની ઓથોરિટી દ્વારા સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. જે પણ ખેડૂતોને નુકસાન થયું હતું તેમને વળતર ચૂકવવામાં આવ્યું હતું. આ વળતર ચુકવવાની રકમમાં ખેડૂત સાથે ભેદભાવ થયો હોવાથી વાત સામે આવી હતી.
ચુકવણીમાં ભેદભાવ:ભારે વરસાદના પગલે ઈધાતા ગામમાં ખેડૂત દુલાભાઈ કાશીરામને પણ ભારે નુકસાન થયું હતું. ખેડૂત દુલાભાઇએ વળતરની ચુકવણીમાં ભેદભાવ થયા હોવાની અરજી દાખલ કરી છે. ઈધાતા ગામમાં ગુજરાત સ્ટેટ લેન્ડ ડેવલપમેન્ટ નિગમ લિમિટેડ (GSLDC) દ્વારા ખેડૂતોને સર્વે કરીને વળતરની ચુકવણી હાથ ધરવામાં આવી હતી. પરંતુ આ જમીન સર્વેમાં નિગમના ઓફિસરો દ્વારા આકારણી કરવાની જગ્યાએ સરપંચો દ્વારા જ નુકસાનનો અંદાજ કરવામાં આવ્યો હતો. ઉપરાંત સરપંચ દ્વારા જ વળતર આપવામાં આવ્યું હતું.