અમદાવાદ: શહેરના લોકોની ફરિયાદ નિવારણ લાવવા માટે દરેક વોર્ડમાં ફરિયાદ નિવારણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. છેલ્લા 10 દિવસથી ચાલી રહેલા ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં જેતે વોર્ડના કોર્પોરેટર તેમજ ડેપ્યૂટી મ્યુનિસિપલ કમિશ્નર હાજર રહેતા હોય છે. આજે ગોમતીપુર વોર્ડમાં ફરિયાદ નિવારણ કેન્દ્રમાં આ વોર્ડમાં છેલ્લા ઘણા સમયથી પ્રદૂષિત પાણીની સમસ્યા વકરી છે તેથી તેની રજૂઆત કરાઈ હતી. જેને સ્થાનિક કોર્પોરેટર ઇકબાલ શેખે પોતાના વિસ્તારમાં પડતી સમસ્યાની રજૂઆત કરી હતી. આ ઉપરાંત 139 જેટલી ફરિયાદો પેન્ડિંગ છે.
Ahmedabad News: ગોમતીપુર ફરિયાદ નિવારણ કેન્દ્ર પર પીવાના શુદ્ધ પાણી મુદ્દે ઘમાસાણ મચ્યું - પીવાનું અશુદ્ધ પાણી
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના અલગ અલગ વોર્ડમાં ફરિયાદ નિવારણ કાર્યક્રમ ચાલી રહ્યો છે. આજે અમદાવાદના ગોમતીપુર વોર્ડમાં ફરિયાદ નિવારણ કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી કમિશનરને વિસ્તારમાં આવતા પ્રદૂષિત પાણીને લઈને રજૂઆત કરી હતી. આ ઉપરાંત બોર્ડમાં ચાલી રહેલી 9 જેટલી ફરિયાદો લેખિતમાં રજૂઆત કરાઈ હતી.
ગોમતીપુર વોર્ડમાં નાગરિકો પીવાના શુદ્ધ પાણી ઉપરાંત અનેક સમસ્યાઓથી પીડાઈ રહ્યા છે. છેલ્લા છ મહિનામાં 212 ફરિયાદોની લેખિતમાં રજૂઆત કરાઈ છે. જેમાંથી ફક્ત 73 ફરિયાદોનો જ નિકાલ થયો છે. અત્યાર સુધી જે ગંભીર પ્રકારની કુલ 139 ફરિયાદોનો નિકાલ આવ્યો નથી. આ ફરિયાદોને લઈને અનેકવાર જે તે ઝોન ઓફિસર તેમજ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશ્નર અને મેયર સુધી પણ ફરિયાદો કરવામાં આવી છે. ગોમતીપુરમાં છેલ્લા એક મહિનાથી સુથાર વાળા મોટા વણકરવાસની આસપાસના તમામ મકાનોમાં પીવાનું પ્રદુષિત પાણી આવી રહ્યું છે. આરોગ્ય વિભાગ દ્વારા પણ તપાસ કરવામાં આવી છે જેના લીધે ક્લોરીનની ગોળી નાખીને માત્ર ઘટાડો કરવામાં આવે છે પરંતુ પ્રદુષિત પાણીનો કાયમી ઉકેલ હજુ સુધી આવ્યો નથી...ઈકબાલ શેખ(કોર્પોરેટર, ગોમતીપુર વોર્ડ)
ડ્રેનેજ લાઈન લીકેજઃ આ ઉપરાંત ભારતીયનગરમાં રહેતા 40થી 50 જેટલા રહેણાંક મકાનોમાં છેલ્લા ચાર મહિનાથી પીવાનું પાણી આવતું જ નથી જેની પણ અનેકવાર રજૂઆત કરવામાં આવી છે. ગોમતીપુર વિસ્તારની તુલસી પાર્ક પોલીસ ચોકીથી કોઠા વાળાની ચાલી, નાગરપુર વોરાની ચાલી, મુનિર શેઠનો ટેકરો, અમનનગર, ચંપા મસ્જિદ, ઘાચીની ચાલી, સમશેર બાગ, હોજવાળી મસ્જિદ, પાકવાડો, મદની મહોલ્લા, સુથારવાડો, મણિયારવાડા, સુધીના જાહેર માર્ગ પર ડ્રેનેજ લાઈન ચોક છે. જેને પરિણામે જેટિંગ મશીન, સુપર સકર મશીન, સીસીટીવી મશીન દ્વારા કામગીરી કરવા છતાં પણ આ સમસ્યાનું નિરાકરણ આવતું નથી. અનેક વિસ્તારના પાણી લીકેજ થતા હોવાને કારણે રોજ સવારે પાણી જાહેર માર્ગ પર ફરી વળે છે. આવી પરિસ્થિતિમાં પાણીજન્ય રોગચાળો ફાટી નીકળવાનો ભય છે.