અમદાવાદઃ ફેડરેશન ઓફ એકેડેમીક એસોસિએશન ગુજરાતની 20,000થી વધુ શૈક્ષણિક સંસ્થાઓ તથા નાના-મધ્યમ કોચિંગ ક્લાસિસનું પ્રતિનિધિત્વ કરે છે. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, મહેસાણા, વલસાડ, ભરૂચ, જામનગર, હિંમતનગર સહિતના અન્ય શહેરોન શૈક્ષણિક મંડળોએ પણ FAAનું સભ્યપદ પ્રાપ્ત કર્યું છે. FAA ગુજરાતના શૈક્ષણિક સમૂહોના ઉત્કર્ષ માટે નિરંતર સેવાઓ પ્રદાન કરે છે. તથા તમામ પ્રકારના સામાજિક કાર્યોમાં પણ કાર્યરત છે. ગરીબ અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ માટે તે વિનામૂલ્યે શિક્ષણ પણ ઓફર કરે છે. 10 લાખથી વધુ પરિવારોની પ્રત્યક્ષ-પરોક્ષ આજીવિકા FAA સાથે સંકળાયેલી અથવા તેના ઉપર નિર્ભર છે.
કોરોના મહામારીને કારણે શૈક્ષણિક સંસ્થાઓ ખોલવા અંગે પ્રવર્તતી અનિશ્ચિતતાઓ અંગે હાઇકોર્ટમાં વકીલ જુહી તલાટીએ દાખલ કરેલી અરજીમાં શૈક્ષણિક સંસ્થાઓ પુનઃશરૂ કરવાની મંજૂરી આપવા વિનંતી કરાઇ છે. કારણકે રાજ્યમાં પહેલેથી જ અન્ય બિઝનેસ કાર્યરત થઇ ગયાં છે.
આ અંગે જુહી તલાટીએ જણાવ્યું હતું કે, મહામારીના મુશ્કેલ સમયમાં આપણે વિદ્યાર્થીઓને માર્ગ ઉપર ફરવા અને કેફેમાં બેસવાની મંજૂરી આપીએ છીએ. તો શિક્ષણ ઉપર નિયંત્રણો કેમ? આપણા જીડીપીની માફક ભવિષ્ય પણ નબળું પડશે તેવી સ્થિતિમાં આપણે પુનઃવિચાર કરવો જરૂરી છે.
જાહેર હિતની અરજી વિશે માહિતી આપતાં FAA ગુજરાતના પ્રેસિડેન્ટ વિજય મારૂએ જણાવ્યું હતું કે, રાજ્યમાં તમામ બિઝનેસ ધીમે-ધીમે કાર્યરત થયાં છે. ત્યારે સરકાર માત્ર શૈક્ષણિક સંસ્થાઓ અને કોચિંગ ક્લાસિસ શરૂ કરવાના જ વિરોધમાં છે. અમે સરકારને વિદ્યાર્થીઓના ભવિષ્યને જોતાં પુનઃવિચાર કરવા ઘણીવાર વિનંતી કરી છે, પરંતુ સરકાર તરફથી કોઇપણ પ્રતિસાદ ન મળતાં અમે PIL કરવાનો નિર્ણય કર્યો છે.