અમદાવાદઃઆ વર્ષે ફેબ્રુઆરી મહિનાથી ઉનાળાએ અણધારી હાઉકલી કરી દીધી છે. સૂર્ય દેવતા દિવસે દિવસે આકરો મિજાજ દેખાડી રહ્યા છે. હવામાન ખાતા તરફથી એવી આગાહી કરવામાં આવી છે કે, આ વખતે વધારે ગરમી પડવાની છે. જોકે, ઉનાળો વહેલો શરૂ થઈ જતા ફેબ્રુઆરી મહિનામાં ભૂજમાં આકરી ગરમીનો અહેસાસ થયો છે. મંગળવારના એક રીપોર્ટ અનુસાર રાજ્યના આઠ નગરમાં મહત્તમ તાપમાનનો પારો 36 ડિગ્રીને પાર થઈ ગયો હતો.
આ પણ વાંચો Gujarat Weather Today : પાછલા 30 વર્ષના ઇતિહાસને પાછળ છોડતી આજની ગરમી
ભૂજ સૌથી ગરમઃ મંગળવારે (તા.28 ફેબ્રુઆરી) 38.7 ડિગ્રી તાપમાન સાથે ભૂજ રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું હતું. મહારાષ્ટ્રમાંથી વિદર્ભ, ગુજરાતમાંથી સૌરાષ્ટ્ર-કચ્છ તેમજ દક્ષિણ ગુજરાતમાંથી ગરમીની શરૂઆત થઈ શકે છે. જેની અસર બાકીના વિસ્તારોમાં વર્તાશે. માર્ચ મહિનામાં જ 40 ડિગ્રીથી વધારે તાપમાન રહેવાની સંભાવના છે. જોકે, ભૂજમાં અગાઉ ફેબ્રુઆરી મહિનામાં આટલી ગરમી ક્યારેય પડી ન હતી. મંગળવારથી 48 કલાક સુધીમાં તાપમાનમાં ખાસ કોઈ મોટા ફેરફાર થવાની શક્યતાઓ નથી. પરંતુ, શુક્રવાર પછીના ત્રણથી ચાર દિવસમાં તાપમાનમાંથી 2થી 3 ડિગ્રી તાપમાન વધશે.