અમદાવાદઃકેન્દ્રીય નાણાંપ્રધાન નિર્મલા સીતારામને આજે બજેટ 2023-24માં પગારદાર વર્ગને મોટી ભેટ આપી છે. 2014 પછી પહેલીવાર ટેક્સ એક્ઝામ્શનની મર્યાદાને વધારી છે અને ટેક્સ રીબેટની મર્યાદામાં વધારો કર્યો છે. નવા ટેક્સ સિસ્ટમ અનુસાર ટેક્સ સ્લેબની સંખ્યા 6થી ઘટાડીને 5 કરી છે. આવો આપણે જોઈએ વ્યક્તિગત આવકવેરામાં જે છૂટ આપી છે, તે કરદાતા માટે કેટલી ફાયદાકરક રહેશે?
બજેટની અતિ મહત્ત્વની જાહેરાત નવી ટેક્સ સિસ્ટમ અને જૂની ટેક્સ સીસ્ટમ : નાણાંપ્રધાન નિર્મલા સીતારમને નવી ટેક્સ સિસ્ટમની જાહેરાત કરી છે અને 7 લાખ રૂપિયાની આવક સુધી કોઈ ટેક્સ ભરવાનો આવશે નહી તેવી સંસદમાં સત્તાવાર જાહેરાત કરી છે. હવે સવાલ એ ઉભો થાય છે કે નાણાંપ્રધાને જ્યારે જૂની ટેક્સ સિસ્ટમને લઈને કોઈ રાહત નથી આપી તો તેને કરદાતાએ કેવી રીતે પંસદ કરવા ઈચ્છે.
નવી અને જૂની ટેક્સ સિસ્ટમમાંથી કઈ પંસદ કરવી? : નાણાંપ્રધાન નિર્મલા સીતારામને આજે જૂની ટેક્સ સિસ્ટમમાં કોઈ જ ફેરફાર કર્યો નથી. તેમજ નવી ટેક્સ સિસ્ટમમાં ટેક્સના દરમાં ઘટાડો કર્યો છે. આ સંજોગોમાં હવે જૂની ટેક્સ સિસ્ટમની જગ્યાએ નવી ટેક્સ રીજીમ આકર્ષક દેખાય છે. આપણે તેને સમજીએ કે 5 લાખથી 10 લાખ રૂપિયાની આવક પર જૂની ટેક્સ સિસ્ટમ મુજબ 20 ટકા ટેક્સ લાદે છે. પણ હવે નવી ટેક્સ સિસ્ટમ મુજબ જોઈએ તો 6થી 9 લાખ રૂપિયાની આવક પર 10 ટકા જ ટેક્સ આપવો પડે છે, જે અડધો થઈ ગયો છે.
આ પણ વાંચો Budget 2023 : નિર્મલા સીતારમણએ મધ્યમવર્ગ માટે બજેટમાં શું આપ્યું?
રોકાણ ડિડક્શનનો ફાયદો નવી સિસ્ટમમાં નહી મળે : જો કે ધ્યાન રાખવું જોઈએ કે જો આપ રોકાણ કરીને ડિડક્શનનો ફાયદો લેવા માંગો છો તો આ નવી ટેક્સ સિસ્ટમમાં તે નહી મળે. એટલે કે પીપીએફ જેવી રોકાણ યોજનાઓમાં રોકાણ પર ટેક્સ બચાવવા ઈચ્છો છો તો જૂની સિસ્ટમને જ પસંદ કરવી પડશે. પરંતુ જો તમારી આવક 10-15 લાખથી વધારે છે તો નવી ટેક્સ સિસ્ટમ સારી(ફાયદાવાળી) છે.
નવી ટેક્સ સિસ્ટમમાં દરમાં ઘટાડો : હવે બીજો પ્રશ્ન એ થાય છે કે નાણાંપ્રધાન નિર્મલા સીતારમને જ્યારે નવી ટેક્સ સિસ્ટમ અનુસાર ટેક્સના દરમાં ઘટાડો થયો તો તેનો કેટલો ફાયદો મળશે. પહેલા 5 લાખ રૂપિયાની આવક સુધી આવક ટેક્સ ફ્રી હતી. જે હવે વધારીને 7 લાખ રૂપિયા કરી દેવાઈ છે. હવે નવી ટેક્સ સિસ્ટમમાં 7 લાખ રૂપિયાથી વધુની આવકવાળા માટે કરદાતાના કેટલા રૂપિયાની બચત થશે?
હવે કેટલો ટેક્સ લાગશે?: નવી અને જૂની ટેક્સ સિસ્ટમમાંટેક્સને પાત્ર આવક વિશે આંકડાવાર વિગત જોઇએ. 0-3 લાખ રૂપિયાની આવકમાં જૂની અને નવી બંને સિસ્ટમ મુજબ 2500 રુપિયા ટેક્સ લાગશે. 3-6 લાખ રૂપિયાની આવકમાં જૂનો ટેક્સ.22,500 જ્યારે નવા ટેક્સ પ્રમાણે 15,000 ટેક્સ લાગે. જેથી 7500 રુપિયાનો ફાયદો થશે. 6-9 લાખ રૂપિયા આવકમાં જૂનો ટેક્સ રૂ.60,000 જ્યારે નવા ટેક્સ પ્રમાણે રૂ.45,000 થાય એટલે કે રૂ.15,000નો ફાયદો થશે. 9-12 લાખ રૂપિયાની આવકના સ્લેબમાં જૂનો ટેક્સ રૂ. 1,15,000 જ્યારે નવા ટેક્સ પ્રમાણે રૂ.90,000 ટેક્સ લાગશે એટલે કે સીધો રૂ.25,000 નો ફાયદો થશે. તો 12-15 લાખ રૂપિયા આવકના સ્લેબમાં જૂનો ટેક્સ રૂ.1,87,500 અને નવા ટેક્સ પ્રમાણે રૂ.1,50,000 ટેકસના આપવાના થાય. તો એમાં રૂ.37,500 રુપિયાનો ફાયદો થાય.
આ પણ વાંચો Budget 2023 : બજેટમાં રજૂ થયાં દેશના અર્થતંત્રનો ચીતાર આપતાં આંકડા, શું છે સંકેત જાણો
કરદાતાએ ફોર્મ ભરવું પડશે: નાણાંપ્રધાને આજે જૂની ટેક્સ વ્યવસ્થાને ડિફોલ્ટથી દૂર કરવા માટેની જાહેરાત કરી છે. હવે નવી ટેક્સ વ્યવસ્થાને ડિફોલ્ટ કરી દીધી છે. તેનો અર્થ એ થાય કે જો કરદાતા જૂની ટેક્સ વ્યવસ્થાને પસંદ કરે છે તો તેણે તે દર્શાવવા માટે એક ફોર્મ ભરવું પડશે.
સરચાર્જ ઘટાડ્યો : નવી ટેક્સ સિસ્ટમ અનુસાર 7 લાખ રૂપિયા સુધીની આવક ટેક્સ ફ્રી રહેશે. નવી ટેક્સ સિસ્ટમ અનુસાર ટેક્સ સ્લેબમાં ઘટાડો અને એક્ઝામ્શન મર્યાદા 3 લાખ રૂપિયા કરાઈ છે. પગારદાર અને પેન્શનવાળા માટે સ્ટાન્ડર્ડ ડિડક્શનનો ફાયદો હવે નવી ટેક્સ સિસ્ટમમાં પણ મળશે. અને તે રૂપિયા 52,500 ફિક્સ કરી દેવામાં આવ્યો છે. નવી ટેક્સ સિસ્ટમ અનુસાર હાઈએસ્ટ સરચાર્જ 37 ટકાથી ઘટાડીને 25 ટકા કરી દીધો છે. એટલે કે હવે હાઈએસ્ટ ટેક્સ રેટ 42.74 ટકાની જગ્યાએ 39 ટકા થઈ જશે.
સુનીલ તલાટી શું માને છે?: અમદાવાદના જાણીતા કરવેરા નિષ્ણાત સીએ સુનીલ તલાટીએ ETV Bharat સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે નવી ટેક્સ સિસ્ટમમાં 7 લાખ રૂપિયાની આવક સુધી શૂન્ય ટેક્સ કરી દેવાયો છે અને ટેક્સ સ્લેબ 6 ઘટાડીને 5 કરાયા છે. નાણાંપ્રધાનનું આ પગલું આવકારદાયક છે. ટૂંકમાં મારી દ્રષ્ટિએ 15 લાખ સુઘીની સેલરીવાળા માટે નવી ટેક્સ સિસ્ટમ ફાયદાકારક રહેશે. બાકી 15 લાખથી વધુ આવકવાળા માટે જૂની ટેક્સ સિસ્ટમ ફાયદાવાળી રહેશે. જો કે હજી ટેક્સની પ્રપોઝલ સમજ્યા પછી આપણે તેનું પ્રોપર અર્થઘટન કરી શકીશું. પણ નવી ટેક્સ સિસ્ટમમાં 80સી હેઠળ 1.50 લાખ રૂપિયા બાદ મળતા હતાં તે હવે નીકળી ગયા છે. 7 લાખની આવક અને 50,000 સ્ટાન્ડર્ડ ડિડ્કશન મળી કુલ 7.50 લાખ પર ટેક્સ ઝીરો થઈ જશે. પગારદારોને ઘણી રાહત મળી જશે.
આ પણ વાંચો Budget 2023: સામાન્ય બજેટ 2023માં સંરક્ષણ મંત્રાલયને ₹5.94 લાખ કરોડ ફાળવવામાં આવ્યા
ટેક્સ એક્સપર્ટ ધીરેશભાઈ શાહનો અભિપ્રાય : સીનીયર ટેક્સ એક્સપર્ટ ધીરેશભાઈ શાહે ETV Bharatને જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં નાણાંપ્રધાને સૌથી મોટી રાહત આપતી જાહેરાત કરી હોય તો તે 7 લાખ રૂપિયાની આવક સુધી ટેક્સ ફ્રી કરી છે. બે લાખ રૂપિયાનો વધારો અત્યાર સુધીમાં કોઈ નાણાંપ્રધાને આટલી મોટી રકમની મર્યાદા વધારી નથી. એટલે કે મહિને અંદાજે રૂપિયા 60,000નો પગાર હોય તો તે વાર્ષિક રૂપિયા 7,20,000ની આવક ટેક્સ ફ્રી થઈ ગઈ છે. આટલા સુધીનો પગાર મેળવનારની સંખ્યા મોટી હશે, તેમ માની શકાય. લોકોનું જીવનધોરણ ઊંચુ આવશે. ટેક્સ ફ્રી થતાં લોકો નાણાં ખર્ચી શકશે અને તે નાણાં અર્થતંત્રમાં ફરતા રહેશે. નાણાંપ્રધાને ખૂબ મોટી રાહત આપી છે, જેનો સીધો ફાયદો પગારદારોને મળશે, તેમાં કોઈ શક નથી.
કરવેરા નિષ્ણાત નિતીન પાઠકનો મત: અગ્રણી કરવેરા નિષ્ણાત અને ચાર્ટડ એકાઉન્ટન્ટ નિતીનભાઈ પાઠકે ETV Bharatને જણાવ્યું હતું કે 7 લાખની વાર્ષિક આવક અને 50,000 રૂપિયાનું સ્ટાન્ડર્ડ ડિડક્શન એટલે કે 7.50 લાખની આવક ટેક્સ ફ્રી થઈ ગઈ છે. નોકરી કરનાર માટે ખૂબ મોટી રાહતના સમાચાર છે. હા મોટો પગાર હોય વાર્ષિક 15 લાખથી વધુનો તો જૂની ટેક્સ સિસ્ટમ ફાયદાવાળી રહેશે. પણ તે વર્ગ ઓછો હશે. નાણાંપ્રધાને મધ્યમવર્ગ અને ઉચ્ચ મધ્યમવર્ગનું ધ્યાન રાખ્યું છે. ટેક્સ બચાવવા માટે ફરજિયાત રોકાણ કરવું પડતું હતું. સામે મોંઘવારી પણ વધી છે, જેનો ખ્યાલ રાખીને વ્યક્તિગત આવકવેરાની મર્યાદા વધારી છે, એવું કહી શકાય.