અમદાવાદ : અમદાવાદને વૈશ્વિક સ્તરે હેરિટેજ સિટી તરીકે જે દરજ્જો પ્રાપ્ત કરેલ છે, એનો મોટો શ્રેય અમદાવાદ શહેરના બેનમુન સ્થાપત્યોને જાય છે. અમદાવાદ શહેરમાં હિંદુ, જૈન, મુસ્લિમ, પારસી, કોલોનિયલ અને આધુનિક સ્થાપત્યો છે. જે આજે પણ એન્જિનીયરીંગ ક્ષેત્રે ધરોહર સમાન છે. વિશ્વ એન્જિનીયરીંગ દિવસે અમદાવાદ શહેરના બેનમુન સ્થાપત્યો અંગે જાણકારી મેળવીએ.
અમદાવાદમાં ઇજનેરી કૌશલ્યની તસવીર અમદાવાદની ઓળખ સમા વૈશ્વિક સ્થાપત્યો :સદીઓથી યુરોપીચન યાત્રીકોએ અમદાવાદને પૂર્વના વેનિસ તરીકેનો દરજ્જો આપ્યો છે, જેનુ કારણ અમદાવાદ શહેરના વિશિષ્ઠ સ્થાપત્યો છે. અમદાવાદ શહેરના 12 દરવાજાઓ શહેરી સ્થાપત્યના ઉત્કૃષ્ઠ ઉદાહરણ છે. શહેર 12 દરવાજાથી સુરક્ષિત રહેતુ. અમદાવાદ શહેરનું ગૌરવ સમુ કાંકરિયા તળાવ 1451માં સુલતાન કુતબ-ઉદ-દિને નિર્માણ કરાવ્યુ છે. જેમાં તળાવ વચ્ચે નગીનાવાડી સદીઓથી નગરજનો માટે પર્યટન સ્થળ બન્યું છે.
સિદ્દિ સૈયદ મસ્જિદની જાળીઓ : ઇ.સ 1573માં સિદ્દિ સૈયદ મસ્જિદની જાળીઓએ વૈશ્વિક પર્યટકો માટે મસ્ટ વિઝિટ પ્લેસનો દરજ્જો મેળવ્યો છે, જે આજે અમદાવાદની ઓળખ બની છે. શહેરની જામા મસ્જિદ માણેકચોક પાસે આવેલી છે. 1423માં અમદાવાદના સ્થાપક અહમદશાહે બનાવેલી છે. જેની આસપાસના સ્થાપત્યોમાં ભદ્રનો કિલ્લો, રાણીનો હજીરો અને લાલ દરવાજા મહત્વના જોવાલાયક સ્થળો છે. કાળુપુર પાસેના ઝુલતા મિનારા અને આસ્ટોડિયા સ્થિત રાણી સિપ્રીની મસ્જિદ તેના બાહરી સ્થાપત્ય અને તેની ઐતિહાસિકતા માટે વિશ્વભરમાં જાણીતા છે. એક સમયે અમદાવાદની ભાગોળે આવેલો સરખેજ રોજો તેના બેનમુન સ્થાપત્યો અને આકર્ષક તળાવ અને તેની કોતરણથી એન્જિનીયરીંગનો ઉત્કૃષ્ટ નમુનો બન્યો છે. હાલના સમયમાં સરખેજ રોજો શહેરનું મહત્વનું સાંસ્કૃતિક સ્થળ બન્યો છે.
અમદાવાદનું હિંદુ સ્થાપત્ય : અમદાવાદમાં દાદા હરિની વાવ, અડાલજની વાવ અને અમૃતવર્ષિણી વાવ મહત્વના હિંદુ સ્થાપત્યો છે. શહેરમાં અનેક વૈષ્ણવ હવેલીઓ, શીવલયો પોતાની સાંસ્કૃતિક ધરોહરના પ્રતિક બન્યા છે. 1822માં નિર્માણ પામેલ કાળુપુરનું સ્વામિનારાયણ મંદિરની બર્મીસ કાષ્ટકળાએ તો વિશ્વના ટુરિસ્ટોનું દિલ હરી લીધુ છે. શહેરના માધુપુર સ્થિત હઠીસીંગના દહેરાનું પથ્થરકામ દર્શનીય છે, સાથે એન્જિનીયરીંગની કમાલને દર્શાવે છે.
હેરિટેજમાં અમદાવાદની પોળ : અમદાવાદી પોળ વિશ્વમાં સામૂહિક નિવાસ ક્ષેત્રે ઉત્તમ વસવાટ પ્રકાર સાબિત થયો છે. પોળ, ઓળ, ખડકી, ચોક સહિતના વસવાટ પરિસર વિશ્વમાં ક્યાંય નથી. પોળના મકાનો કાષ્ટ, ચૂના, પથ્થરથી બનેલા છે. જે સલામતી સાથે આબોહવાથી પણ સુરક્ષા આપે છે. અમદાવાદી પોળો તેની હેરિટેજ ઓળખ બની છે, જ્યાં ઘરની નીચે ચોમાસાના પાણીના સંગ્રહ માટે ટાંકાઓની સુવિધા હતી. અમદાવાદની જાણીતા પોળોમાં દેસાઇની પોળ, રતનપોળ, ઢાળની પોળ, ધનાસુથારની પોળ, પખાલીની પોળ અને કામેશ્વરની પોળનો સમાવેશ થાય છે.
આધુનિક સ્થાપત્યો : અમદાવાદમાં આધુનિક સ્થાપત્યોનો આરંભ બ્રિટીશકાળથી થયો છે. અમદાવાદમાં ક્લાઉડ બેટલી નિર્મીત વીજળીઘર અને ટાઉનહોલ તત્કાલીન સમયના શહેરની શાન ગણાતા હતા. આ સાથે અમદાવાદ શહેરમાં લા કાર્બુઝિ દ્વારા નિર્મીત સંસ્કારભવન, આત્મા બિલ્ડીંગ, શોધન હાઉસ અને ત્યાર બાદ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદે આધુનિક એન્જિનીયરીંગની દિશા ખોલી. સાબરમતીના તટ પર વિકસાવેલ ગાંધીઆશ્રમ પરિસર સ્થિત મહાત્મા ગાંધી સંગ્રહાલયનું નિર્માણ ચાર્લ્સ કુરિયને કર્યુ છે. જે અમદાવાદ સહિત વિશ્વના એન્જિનીયરીંગ આર્ટમાં અગ્રેસર છે. આધુનિક સમયમાં અમદાવાદમાં સાબરમતી નદીના બંને કિનારે નિર્માણ થયેલ રિવરફ્રન્ટ અને અટલબ્રિજ એન્જિનીયરીંગ ક્ષેત્રે નામના ધરાવે છે. આમ, અમદાવાદ શહેર તેની ઐતિહાસિક ધરોહર અને વિશિષ્ઠ એન્જિનીયરીંગ શૈલીના કારણે ગ્લોબલ બનવા સાથે-સાથે હેરિટેજ સિટી બનીને ગૌરવ વઘાર્યું છે.
- Engineers Day 2023: જૂનાગઢમાં ઇજનેરી ક્ષેત્રના બેનમૂન નમૂના સમાન વિલિંગડન ડેમ, જાણો 100 વર્ષ જૂનો આ ડેમ કોણે બનાવ્યો ?
- National Engineers Day 2023: આજે એન્જિનિયર્સ દિવસ, જાણો કોની યાદમાં ઉજવવામાં આવે છે