- સ્થાનિક સ્વરાજ સંસ્થાઓની ચૂંટણીના બીજા તબક્કાનું ચૂંટણીચિત્ર
- ભાજપ સામે મજબૂત ટક્કર આપશે આપ
- ભાજપને એક કારણે પડી શકે છે ભોંય ભારે
અમદાવાદ : ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી બે તબક્કામાં યોજવાની જાહેરાત ચૂંટણી આયોગે કરી હતી. જે મુજબ 6 મહાનગરપાલિકાની ચૂંટણી 21 ફેબ્રુઆરીએ યોજાશે. જ્યારે 81 નગરપાલિકા, 31 જિલ્લા પંચાયત અને 231 તાલુકા પંચાયતની ચૂંટણી 28 ફેબ્રુઆરીએ યોજાશે. જેમાં ભારતીય જનતા પક્ષ અને કોંગ્રેસ સહિત આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ ચૂંટણીજંગમાં ઝંપલાવ્યું છે. સામાન્યપણે ગુજરાતમાં બે પક્ષ જ ચૂંટણી લડતાં હોય છે. ભાજપ અને કોંગ્રેસ, પણ પ્રજાજનોને આ વખતે ત્રીજો વિકલ્પ આમ આદમી પાર્ટીનો મળ્યો છે. આપે બૂથલેવલ સુધી જઇને પ્રચારનું કાર્ય કર્યું છે અને લોકો સમક્ષ દિલ્હી મોડેલ લોકો સમક્ષ રજૂ કર્યું છે.
નગરપાલિકાના ચૂંટણી મેદાનનું ચિત્ર
81 નગરપાલિકામાં 680 બેઠકો સામે 7,245 ઉમેદવાર મેદાનમાં છે. જેમાંથી 95 બેઠક પર ઉમેદવાર બિનહરીફ વિજેતા જાહેર થઈ ગયાં છે. બાકી રહેતી 7150 બેઠક પર ચૂંટણીનું મતદાન યોજાશે. તેની સાથે 13 નગરપાલિકાની પેટાચૂંટણીમાં 17 બેઠક પર પણ ચૂંટણી યોજાઈ રહી છે જેમાં 46 ઉમેદવાર હરીફાઈમાં રહ્યાં છે. જેમાંથી 2 બિનહરીફ વિજેતા બન્યાં છે અને 44 ઉમેદવાર મેદાનમાં રહ્યાં છે.
જિલ્લા પંચાયત ચૂંટણીમાં રહ્યું આ ગણિત
31 જિલ્લા પંચાયતમાં 980 બેઠકો માટે 4,612 ઉમેદવારીપત્ર ભરાયાં હતાં. જેમાં 1753 ફોર્મ અમાન્ય ઠર્યાં હતાં. 2,859 ફોર્મ માન્ય થયાં તેમાંથી 179 ફોર્મ પરત ખેંચાયા એટલે હવે 2.655 ઉમેદવાર ચૂંટણીની હરીફાઈમાં રહ્યાં. જોકે તેમાંથી 25 બેઠક પર ઉમેદવાર બિનહરીફ વિજેતા જાહેર થયાં છે. જેથી 2,630 ચૂંટણીના જંગમાં રહ્યાં છે.
તાલુકા પંચાયત ચૂંટણીના જંગમાં હજારો ઉમેદવાર
231 તાલુકા પંચાયતમાં કુલ 4774 બેઠક પર 20,087 ફોર્મ ભરાયાં હતાં. જેમાંથી 6,988 ફોર્મ અમાન્ય ઠર્યાં હતાં અને 13,099 ફોર્મ માન્ય રહ્યાં હતાં. 717 ઉમેદવારી ફોર્મ પરત ખેંચાયા હતાં. હવે 231 તાલુકા પંચાયતમાં 4,774 બેઠક પર 12,265 ઉમેદવાર ચૂંટણીના મેદાનમાં છે. જેમાંથી 117 બેઠક પર 117 બેઠક બિનહરીફ વિજેતા જાહેર થઈ છે. ફાઈનલી, 12,148 ઉમેદવાર ચૂંટણીજંગમાં ઊતરી ચૂક્યાં છે. તેની સાથે 3 તાલુકા પંચાયતમાં 3 બેઠકોની પેટાચૂંટણી પણ યોજાઈ રહી છે જેમાં 5 ઉમેદવાર હરીફાઈમાં છે અને 1 બેઠક પર બિનહરીફ વિજેતા જાહેર થયાં હોવાથી 4 બેઠકની પેટાચૂંટણી યોજાવાની છે.
ઉમેદવાર અને પક્ષોની સ્થિતિ
81 નગરપાલિકામાં ભાજપે 2,555 ઉમેદવાર મેદાનમાં ઊતાર્યાં છે. તેની સામે કોંગ્રેસે 2247 ઉમેદવાર ઊભાં રાખ્યાં છે. બહુજન સમાજ પાર્ટીના 109 ઉમેદવાર અને આમ આદમી પાર્ટીના 719 ઉમેદવારોએ પણ ચૂંટણી મેદાનમાં ઝૂકાવ્યું છે.