મેટ્રો કોર્ટમાં નિવેદન આપવા રાહુલ ગાંધી શુક્રવારે અમદાવાદ મેટ્રો કોર્ટ આવશે. જેના ભાગરૂપે ક્રાઈમ બ્રાંચ, એટીએસ સહિત 6 જેટલા આઈપીએસ અધિકારીઓની ટીમે સુરક્ષા વ્યવસ્થા મુદે મેટ્રો કોર્ટના ચીફ જજ સાથે ચર્ચા-વિચારણા કરી હતી. સુત્રોની માહિતી પ્રમાણે શુક્રવારે ધી-કાંટા મેટ્રો કોર્ટને પોલીસ બંદોબસ્તના ભાગરૂપે કિલ્લાબંધીમાં ફેરવી દેવામાં આવશે.
અગાઉ મેટ્રો કોર્ટે રાહુલ ગાંધી અને કોંગ્રેસી પ્રવક્તા રણદીપ સુરજેવાલાને ગત્ 27 મેના રોજ હાજર થવા માટે સમન્સ પાઠવ્યું હતું. જો કે, 27 મે ના રોજ પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નેહરૂની 55મી પુણ્યતિથિ હોવાથી રાહુલ ગાંધીએ મેટ્રો કોર્ટ પાસેથી હાજર ન થવાની મુક્તિ માંગી હતી. જેને ધી-કાંટા મેટ્રો કોર્ટ મેજીસ્ટ્રેટ એ.કે ગઢવીએ માન્ય રાખતા રાહુલને 12મી જુલાઈના રોજ હાજર થવાનો ફરમાન કર્યો હતો.
ADC બેંક મુદ્દે આપેલા વિવાદાસ્પદ નિવેદન કેસમાં સાક્ષીઓની જુબાની અને તથ્યોને આધારે કોર્ટે પ્રથમ દ્રષ્ટિએ બદનકક્ષીનો કેસ સાબિત થતો હોવાનું લાગતા ગત 8મી એપ્રિલના રોજ મેટ્રો કોર્ટે રાહુલ ગાંધી અને પ્રવક્તા રણદીપ સુરજેવાલાને 27 મેના રોજ હાજર થવાનો હુકમ કર્યો હતો. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને રણદીપ સુરજેવાલા વિરુદ્ધ વિવાદાસ્પદ નિવેદન આપવા બદલ ADC બેંકના ચેરમેન અજય પટેલ દ્વારા 745 કરોડ રૂપિયાનો બદનકક્ષીનો દાવો કરવામાં આવ્યો હતો.