શહેરના સિંધુ ભવન રોડ પરના પંડિત દીનદયાળ હોલમાં સમાજના કાર્યક્રમમાં સુરેશ શાહ તેમનું જ્યુપીટર બાઇક લઈને આવ્યા હતા. ત્યારે કાર્યક્રમ પુરો કરી બહાર નીકળતા સમયે પાર્કિંગમાંથી બાઇકની ચોરી થઇ ગઇ હતી. આ અંગે સુરેશભાઈએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ચોરી થયાના 10 મહિના બાદ સુરેશભાઈને બાઇકનો ઈ-મેમો મળ્યો હતો.
10 મહિના અગાઉ ચોરી થયેલી બાઇકનો ઈ-મેમો માલિકને મળ્યો, ચોર હજુ પણ ફરાર - Gujarati News
અમદાવાદઃ શહેરના એસ.જી.હાઇવે પરથી 10 મહિના અગાઉ એક બાઇકની ચોરી થઇ હતી. જે અંગે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધવામાં આવી હતી. ત્યારે ચોરીના 10 મહિના બાદ જ વસ્ત્રાપુરના વિવિધ વિસ્તારોમાં આ બાઇક લઇ યુવક-યુવતી ફરે છે. તેમનો ઈ-મેમો પોલીસે માલિકના ઘરે મોકલ્યો હતો. પરંતુ બાઇક કે ચોરને પોલીસ શોધી શકી નથી.
આ બાઇકમાં એક યુવક-યુવતી બેઠેલા હતા. આ અંગે તેમણે પોલીસ સ્ટેશનમાં જાણ કરતા સીસીટીવી ચેક કરવામાં આવ્યા હતા. જેમાં વસ્ત્રાપુર વિસ્તારમાં અનેક જગ્યાઓ પર યુવક-યુવતી સુરેશભાઈના ચોરી થયેલા બાઇક પર ફરી રહ્યા હતા.
ચોરી કર્યા પછી ચોરે બાઇકની નંબર પ્લેટ પણ બદલી નહોતી. સીસીટીવી ચેક કરતા યુવક-યુવતી પણ બિન્દાસ્ત રીતે બાઇક પર ફરી રહ્યા હતા. આ અંગે પોલીસે વસ્ત્રાપુરની અનેક સોસાયટી અને વાહન ચેક કર્યા હતા, જેમાં આ બાઇક મળ્યું ન હતું. સુરેશભાઈને એક નહિ પરંતુ 3 ઈ-મેમો મળ્યા છે પરંતુ હજુ સુધી પોલીસ તેમનુ વાહન કે ચોર સુધી પહોંચી શકી નથી.