પિરિયડ્સનું નામ પડે એટલે જ મહિલાઓનો અવાજ ધીમો થઈ જાય છે. કોઈ સાંભળી ન જાય એ રીતે આ વિષય પર વાત કરવામાં આવે છે અને કોઈ બીજું જોઇ ન જાય એ રીતે દુકાનમાંથી સેનિટરી પેડ્સ લેવામાં આવે છે. આજના આધુનિક જમાનામાં પણ પિરિયડ્સ પર વાત કરવી શરમજનક માનવામાં આવે છે. એવામાં આ દિવસોમાં રાખવી પડતી કાળજી વિશે વાત કરવી તો બહુ દૂરની વાત છે. પરંતુ આજે આ વિષય પર વાત કરવી બહુ જરૂરી છે કારણ કે, આજે એટલે કે 28 મેના રોજ વિશ્વભરમાં 'મેન્સ્ટ્રુઅલ હાઇજિન ડે' ઉજવવામાં આવે છે.
આ દિવસ ઉજવવાનો હેતુ મહિલાઓને પિરિયડ્સના દિવસોમાં પ્રાઇવેટ પાર્ટને સ્વચ્છ રાખવા જાગૃત કરવામાં આવે છે. આ વિષય પર શિક્ષણના અભાવને કારણે માસિક દરમિયાન રહેતી અસ્વચ્છતાના કારણે ચેપ લાગવાનું જોખમ રહે છે. મર્યાદિત મેન્સ્ટ્રુઅલ પ્રોડક્ટ્સ અને ખરાબ આરોગ્યના કારણે મહિલાઓને ઘણી શારીરિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. ગરમીના દિવસોમાં પરસેવાના કારણે ખાસ તેની સ્વચ્છતાની કાળજી રાખવી જોઇએ.