અમદાવાદઃ રમઝાન સમયે અમદાવાદમાં કોરોના હોટસ્પોટ અને કરફ્યૂગ્રસ્ત કોટ વિસ્તાર સહિત દાણીલીમડામાં મોટાભાગની કરીયાણાની દુકાનોમાં જીવન જરૂરિયાતની વસ્તુઓનો સ્ટોક ખૂટી પડ્યો હોવાનું સામે આવ્યું છે. આ વિસ્તારોમાં લૉડાઉન અને કરફ્યૂ સમયે લોકોએ વસ્તુઓ ખરીદી લીધા બાદ નવી વસ્તુઓનો માલ નહીં આવતા કેટલીક ચીજવસ્તુઓનો સ્ટોક ઉપલબ્ધ થતો નથી.
કોરોનાને કારણે અમદાવાદના ઘણા વિસ્તારોમા કરફ્યુ લાગુ કરવામાં આવ્યો છે, ત્યારે દૂધ અને શાકભાજી સિવાય જીવન જરૂરિયાતની કેટલીક ચીજ વસ્તુઓના નવા સ્ટોક ન આવતા ભારે હાલાકીની સ્થિતિ સર્જાઈ છે. આ વિસ્તારોમા કરફ્યૂ લાગુ કરવામાં આવશે તેવી જાહેરાત કરાતા લોકો કરિયાણુ ખરીદવા ઉમટી પડ્યા હતા. જોકે કરફ્યૂ અને લૉકડાઉનની સ્થિતિ વચ્ચે નવો સ્ટોક ન આવતા સામાન્ય લોકોને સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે.