અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. જેમની પાસેથી ૬૧ લાખ રૂપિયાનો નશીલો પદાર્થ જીવો કે મેફેડ્રોન તથા કોકીન જપ્ત કરી કુલ ૬૫ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ સમગ્ર રેકેટમાં સૌથી મહત્વની બાબત એ છે કે રેલવે વિભાગમાં કોન્ટ્રાક્ટર કેટરિંગના ધંધામાં કામ કરતો રમેશ દીપચંદ રાઠોડ આ સમગ્ર કૌભાંડનો કિંગપીન છે. આરોપી રમેશ શતાબ્દી ટ્રેનની ફરજ દરમિયાન મુંબઈથી અમદાવાદ આવતો જતો હતો.
આ દરમિયાન તેનો સંપર્ક મુંબઈના ડ્રગ માફિયાઓ સાથે થયો અને પછી તેણે ડ્રગ્સની સોદાબાજી શરૂ કરી હતી. મુંબઈથી ડ્રગ્સ કેટરીગના બહાને છુપાવીને લઈ આવતો અને ત્યારબાદ નાના એજન્ટો દ્વારા સમગ્ર ગુજરાતમાં શિક્ષણ સંકુલ અને કોલેજમાં તથા હાઈફાઈ ઇન્સ્ટિટ્યૂટમાં વિદ્યાર્થીઓને ડ્રગ્સના રવાડે ચડાવતા હતાં. નશીલા પદાર્થોની હેરાફેરીની માહિતી ક્રાઈમ બ્રાન્ચને મળતા પોલીસે વોચ ગોઠવી કાલુપુર મોતી બેકરી પાસેથી ત્રણ આરોપીઓને ૬૧ લાખના મેફેડ્રોન તથા કોકેઈનના જથ્થા સહિત કુલ ૬૫ લાખનો મુદ્દામાલ રિકવર કર્યો છે.
ક્રાઈમ બ્રાન્ચે પકડેલા તમામ આરોપીઓ નશીલા પદાર્થોનો જથ્થો શતાબ્દી એક્સપ્રેસમાં લાવતા હતા તેવી માહિતી મળી હતી. જેના આધારે વોચ ગોઠવી ત્રણેય આરોપીઓને ઝડપી પાડયા હતાં. આ ત્રણે આરોપીઓ અમદાવાદના કારંજ વિસ્તારમાં આવેલા સલાપસ રોડ પર રહેતા ફિરોજ ઉર્ફે મહંમદ હનીફ શેખ તથા તેની પત્ની અંજુમને પહોંચાડવા જઈ રહ્યા હતા તે દરમિયાનમાં ક્રાઈમ બ્રાન્ચે તમામ આરોપીઓને નશીલા પદાર્થોના જંગી જથ્થા સાથે ઝડપી લીધા છે.