અમદાવાદ એસઓજી ક્રાઈમનાં એસીપી બી.સી સોલંકી અમદાવાદ: અમદાવાદ શહેરમાં ફરી એક વાર નશાની હેરાફેરી ઝડપાઈ છે. શહેર એસઓજી ક્રાઈમે નારોલ દાણીલીમડા રોડ પર કાશીરામ ટેક્સટાઈલ પાસેથી એમડી ડ્રગ્સના જથ્થા સાથે એક આધેડની ધરપકડ કરી છે. આરોપી પાસેથી મળી આવેલુ 3 લાખથી વધુની કિંમતનું ડ્રગ્સ આપનાર આરોપીને વોન્ટેડ જાહેર કરી ઝડપાયેલા આરોપીની પુછપરછ હાથ ધરવામાં આવી છે.
મેફેડ્રોનનો જથ્થો મળી આવ્યો: અમદાવાદ શહેર એસઓજીની ટીમને બાતમી મળી હતી કે નારોલ દાણીલીમડા રોડ પર આવેલી કાશીરામ ટેક્સટાઈલ પાસે તુલસી રેસ્ટોરેન્ટ નજીક એક વ્યક્તિ નશાના સામાન સાથે હાજર છે. જેથી પોલીસે સ્થળ પર જઈને તપાસ કરતા ત્યાંથી ઈસનપુરના ઈલિયાસ શેખ નામનો 57 વર્ષીય આધેડ મળી આવ્યો હતો. આરોપીની તપાસ કરતા તેની પાસેથી 3.38 લાખની કિંમતનો 33 ગ્રામ 870 મીલીગ્રામ મેફેડ્રોનનો જથ્થો મળી આવ્યો હતો.
એનડીપીએસની કલમો હેઠળ ગુનો:આ મામલે ઝડપાયેલા આરોપી પાસેથી પોલીસે કુલ 3.64 લાખથી વધુની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરી તેની સામે એનડીપીએસની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. આરોપીની વધુ પુછપરછ કરતા શાહઆલમના એક શખ્સે તેને આ ડ્રગ્સ આપ્યુ હોવાની હકિકત સામે આવતા આ ગુનામાં સામેલ અન્ય આરોપીની પણ શોધખોળ શરૂ કરવામા આવી છે.
પોલીસની કાર્યવાહી:આ મામલે ઝડપાયેલો આધેડ પોતે પણ ડ્રગ્સ એડિક્ટ છે અને નશાનો ખર્ચ કાઢવા માટે ડ્રગ્સની લે વેચ કરતો હોવાની હકિકત સામે આવી છે. ઝડપાયેલો આરોપી અગાઉ દારૂ-જુગારના અનેક કેસોમાં ઝડપાઈ ચુક્યો છે, આરોપી આ પ્રકારના વ્યવ્સાય સાથે છેલ્લાં 10 વર્ષથી જોડાયેલો હોવાની હકિકત સામે આવી છે. આ અંગે શહેર એસઓજી ક્રાઈમનાં એસીપી બી.સી સોલંકીએ જણાવ્યું હતું કે આ ગુનામાં સામેલ આરોપી ગુનાહિત ઈતિહાસ ધરાવે છે, તે અગાઉ પણ પાસા કાપી ચુક્યો છે, હાલ તેને ડ્રગ્સ આપનાર અને ગ્રાહકો અંગે તપાસ હાથ ધરાઈ છે.
- Rajkot Crime News : રાજકોટમાંથી પકડાયેલ 200 કરોડના ડ્રગ્સના આરોપીના રિમાન્ડ પૂર્ણ થતા કોર્ટમાં રજૂ કરાયો
- Rajkot Crime: કુલ 20 કિલો ગાંજા સાથે બે શખ્સો ઝડપાયા, એક મહિલા ફરાર